વડોદરા, તા.૩૧

શહેરના ફતેપુરા મંગલેશ્વર ઝાંપા પાસે વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચે મહાકાય કાચબો ફસાઈ જતાં ફાયર બ્રિગેડના જવાનો અને જીએસપીસીએ સંસ્થાના કાર્યકરો દ્વારા ૧૦૦ કિલોથી વધુ વજનના મહાકાય કાચબાને રેસ્કયૂ કરીને વન વિભાગને સુપરત કરાયો હતો.

ફતેપુરા મંગલેશ્વર ઝાંપા નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ નીચે કાદવકીચડમાં મહાકાય કાચબો ફસાઈ ગયો હોવાની જાણ થતાં જીએસપીસીએ સંસ્થાના કાર્યકરો તરત જ સ્થળ પર દોડી ગયા હતા. જાે કે, મહાકાય કાચબો ૧૦૦ કિલોથી વધુ વજનનો હોઈ આ અંગેની જાણ ફાયર બ્રિગેડની કરવામાં આવતાં ફાયર બ્રિગેડના લાશ્કરો અને પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત બાદ કાદવકીચડમાંથી મહાકાય કાચબાને બહાર કાઢીને રેસ્કયૂ કરાયો હતો અને વન વિભાગને સુપરત કરાયો હતો. મહાકાય કાચબાને જાેવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.