રાજકોટ-

ફિલ્મોની દુનિયા ભારે રોમાંચક હોય છે. અપરીપક્વ અને મુગ્ધ ઉંમરના તરુણો ક્યારેક આ દુનિયાથી એટલા બધા અંજાઈ જતાં હોય છે કે આખરે તેઓ તેમાં પ્રવેશવા માટે અધીરા બની જતા હોય છે, એટલું જ નહીં પણ તેના માટે સાહસને બદલે દુઃસાહસ પણ કરી નાંખે છે. આવું જ હાલમાં રાજકોટની એક તરુણી સાથે બન્યું છે.

આ દિલધડક ઘટનાની વિગત એવી છે કે, રાજકોટની 15 વર્ષીય માયા ધોરણ 11માં ભણે છે અને એનસીસી કેડેટ પણ છે. 8 ફેબ્રુઆરીએ માયા ખિસ્સામાં 500 રૂપિયા લઈને ઘરમાંથી સુરત જવા નીકળી પડી હતી. પરંતુ આધાર કાર્ડ ન હોવાથી તેને ટ્રેનમાં ટિકિટ મળી ન હતી. તેથી તે બસમાં બેસીને રાજકોટથી સુરત પહોંચી હતી. સુરતમાં પહોંચતા તેની પાસે માત્ર 6 રૂપિયા બચ્યા હતા. આખરે તેણે પોતાની સોનાની બુટ્ટી વેચી દીધી હતી. સુરતથી તે મુંબઈ પહોંચી હતી. જ્યાંથી તે ફિલ્મ સ્ટુડિયોમાં ગઈ હતી. હિંમત કરીને રાજકોટથી એકલી મુંબઈ પહોંચેલી યુવતી ફિલ્મ સ્ટુડિયોમાં ઓડિશન આપવા પહોંચી ગઈ હતી. પરંતુ ફિલ્મ સ્ટુડિયોના સંચાલક કિશોરીની મદદે આવ્યા હતા. કિશોરીએ તેમને કહ્યું હતું કે તે એક્ટ્રેસ બનવા માટે રાજકોટથી મુંબઈ આવી છે. તે જાણીને તેમણે કિશોરીને જમાડી હતી. આ સંચાલકે વધુમાં કિશોરીના મા-બાપનો સંપર્ક પણ કરીને તેમને પૂરી ઘટનાની જાણ કરી હતી, જેને પગલે સમયસર કિશોરીને ઉગારી લેવાઈ હતી.

બીજી તરફ, 8 ફેબ્રુઆરીથી ગુમ દીકરીને શોધવા પરિવારે આકાશપાતાળ એક કરી દીધા હતા. કિશોરી બૂક લેવાના બહાના ઘરેથી નીકળી હતી, તેથી પરિવારે તેના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસ પણ કિશોરીનો શોધવા માટે દોડતી થઈ હતી. આખરે દીકરી ઘરે આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.કિશોરીને રસ્તમાં અનેક કડવા અનુભવો થયા હતા. એકલી જોઇને સુરત, મુંબઇમાં કેટલાક શખ્સોએ તેના પર નજર બગાડી હતી. જો કે તે પોતે કરાટે ચેમ્પિયન હોવાથી તે એવા લોકોનો પણ સામનો કરી શકી હોવાનું તેણે જણાવ્યું હતું.