લખનૌ-

દસેક વર્ષ પહેલા સામાન્ય દોડની સ્પર્ધાઓમાં નાના મોટાં ઈનામો માટે ટ્રેક પર દોડતી ઉત્તર પ્રદેશની આ યુવતીની મહેનત ફળતાં આખરે હવે તેને આગામી વર્ષે થનારા ટોકિયો ઓલિમ્પિકમાં અને ઓરેગોન ખાતે યોજાનારા વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તક મળી છે. 

ઉત્તર પ્રદેશની આ 25 વર્ષીય પ્રિયંકા ગોસ્વામીએ રાંચીમાં શનિવારે યોજાયેલી 8મી ઓપન નેશનલ અને 4થી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 20 કિમી વોકના રાષ્ટ્રીય રેકોર્ડને તોડી નાંખ્યા હતા. પ્રિયંકાએ પોતાની પહેલાનો ભાવના જાટનો રેકોર્ડ કે જે 1ઃ29ઃ54નો હતો તેને તોડી નાંખતા તેનો પોતાનો નવો નેશનલ રેકોર્ડ હવે 1ઃ28ઃ45નો થયો છે. જો કે, આ કોઈ એમ જ મળી ગયેલી સિદ્ધિ નથી પ્રિયંકા 2018માં રેલવેમાં સ્પોર્ટ્સ ક્વોટામાં જોડાયા બાદ 2017-18માં તે બે રાષ્ટ્રીય કક્ષાના સિલ્વર મેડલ જીતી હતી. આ ઉપરાંત 2018માં રેલવેની અખિલભારતીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેળવ્યો હતો અને તેણે જાપાનમાં યોજાયેલી એશિયન વોક ચેમ્પિયનશિપ અને રોમ-ઈટાલીમાં યોજાયેલી વર્લ્ડ વોક ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો છે. 

જાપાનમાં યોજાયેલી સ્પર્ધામાં પ્રિયંકા 36 સેકન્ડ જેટલા પાતળા માર્જીનથી જીતી નહોતી શકી અને ત્યારે તેણે આંતરરાષ્ટ્રીય કક્ષાની વોક સ્પર્ધાઓમાં જવાનો નિર્ણય કર્યો હતો. ચાલુ વર્ષે હવે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક એમ બંને માટે ક્વોલિફાય કરી લીધું છે. બે વખતના ચેમ્પિયન ગુરમીત સિંઘ પ્રિયંકાને તાલીમ આપે છે અને પ્રિયંકા કહે છે કે, તે ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા માંગે છે.