વડોદરા

છેલ્લા ૧૦ દિવસથી શહેરમાં અનેક મંડળો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટો અને પોતાના ઘરમાં આતિથ્ય માણવા આવેલા ગણેશજીના મહોત્સવનો રવિવારે અંતિમ દિવસ છે. ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શહેરમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ૧૧ ડીએસપી, ૨૨ એસીપી અને ૮૦ પીઆઈ સહિતના કાફલા સહિત શહેર પોલીસ કમિશનર, જાેઈન્ટ કમિશનર પણ જાેડાશે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે આરએએફની એક કંપની અને એસઆરપીની એક પ્લાટુન દેખરેખ રાખશે.

કોરોના સહિત તમામ આધી-વ્યાધી અને ઉપાધી દૂર કરવા આઝાદીના સમયથી શરૂ થયેલા ગણેશોત્સવમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના શહેરના ચાર હજાર ઉપરાંત સ્થળો જેમાં ઘર અને મંદિરોનો પણ સમાવેશ થાય છે. એ પૈકી મોટાભાગની પ્રતિમાઓનું રવિવારે વિસર્જન કરવામાં આવશે. અગાઉ પાંચમા દિવસ, સાતમા દિવસે પણ કેટલાક મંડળોએ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચારેય કૃત્રિમ તળાવોમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવશે. અનેક શહેરીજનોએ પોતાના ઘરમાં પણ ગણપતિની મૂર્તિનું સ્થાપન કર્યું છે એનું પણ વિસર્જન થશે.શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે પાલિકાતંત્ર દ્વારા ચાર કૃત્રિમ તળાવો ચાર જુદી જુદી દિશાઓમાં બનાવાયા છે ત્યાં તરાપા અને અનિચ્છનીય ઘટનાને નિવારવા ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. બીજી તરફ પોલીસ વિભાગે પણ દરેક મંડળોને ચોક્કસ સમય આપી વિસર્જનની પ્રક્રિયા સરળ બનાવી છે જેના કારણે એક જ સમયે અનેક મંડળો કૃત્રિમ તળાવો ઉપર એકઠા ન થાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાકાળને કારણે ગત વરસે ભાવિકભક્તો ગણેશોત્સવની તૈયારી કરી શકયા ન હતા અને સ્થાપના કે વિસર્જનની વિધિથી પણ વંચિત રહ્યા હતા. પરંતુ આ વર્ષ કોરોનાના કેસોની સંખ્યા નહિવત્‌ હોવાથી તંત્ર અને પોલીસ વિભાગે કોરોનાની ગાઈડલાીઈનની શરતોના પાલનની કડક સૂચના આપી આંશિક મંજૂરી આપી હતી.રવિવારે ૧૦મો દિવસ છે ત્યારે ગણેશજીની સ્થાપનાના અંતિમદિને વિવિધ મંડળોને પોલીસ વિભાગ દ્વારા અપાયેલા સમય અનુસાર મર્યાદિત સંખ્યામાં ભકતો સાથે સવારથી જ કૃત્રિમ તળાવો તરફ વિસર્જન યાત્રાની શરૂઆત થશે. પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને બહારથી મંગાવાયેલા અરપીએફ અને એસઆરપી ટીમ મળી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે. સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળનારી વિસર્જન યાત્રા માટે ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે. પોલીસ કમિશનર ડો. સમશેરસિંગે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે શનિવારે પાંચ વાગે મુખ્ય કૃત્રિમ તળાવો નવલખી મેદાનની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ બંદોબસ્તના રિહર્સલ સાથે અન્ય તળાવોની પણ મુલાકાત લીધી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીત કરતાં પોલીસ કમિશનરે જણાવ્યું કે સીપી અને એડિ. સીપી સહિત કુલ ૧૧ ડીસીપી અને ૨૨ એસીપી સાથે ૮૦ પીઆઈ, ૧૫૬ જેટલા પીએસઆઈ, ૨૮૦૯ જેટલા એએસઆઈ, ઉપરાંત પોલીસ જવાનો અને હોમગાર્ડ સતત પેટ્રોલિંગ કરશે. આ ઉપરાંત કૃત્રિમ તળાવો ખાતે પણ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહેશે.

કૃત્રિમ તળાવમાં મગર હોવાની આશંકાએ ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી

વડોદરા ઃ ગણેશ વિસર્જનના આગલા દિવસે નવલખી મેદાન ખાતે તૈયાર કરવામાં આવેલ કુત્રિમ તળાવમાં મગર દેખાતા લોકોમાં ભયની સ્થિતી જાેવા મળી હતી. પરતું આ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના જવાનો દ્વારા બે બોટ સાથે તેની શોધખોળ હાથ ધરી દેવામાં આવી હતી. આ બનાવ અગાઉ પણ આ કુત્રિમ તળાવમાં મગર આવી ચડતા તેનું રેસક્યું કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

હિન્દુ ધર્મમાં અનંત ચતુર્થીનું અનેરું મહત્ત્વ

વિસર્જન એટલે વિદાય, વિશ્વમાં સર્જન અને વિસર્જન અનિવાર્ય છે. જળમાં વિસર્જનનું કારણ એ છેકે ગણેશજીનું પ્રાગટય પાર્વતીજીના સ્નાન દરમ્યાન વપરાયેલા જળથી થયું છે. તેથી તેમનું વિસર્જન પણ જળમાં જ થાય છે. તેથી જ ભગવાન ગણેશજીની આરાધના ગણેશ ચતુર્થીથી લઇને અનંત ચતુર્થી સુધી કરવામાં આવે છે.જ્યારે દસમા દિવસે એટલેકે અંનત ચતુર્થીના દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવે છે.

ગણેશ વિસર્જન નિમિત્તે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

વડોદરા ઃ વડોદરા શહેરમાં આવતીકાલ તા.૧૯-૦૯-૨૦૨૧ના રોજ શ્રીજી વિસર્જન શહેરના જુદાજુદા કૃત્રિમ તળાવો ઉપર થનાર છે. શહેર પોલીસ કમિશનર શ્રી શમશેરસિંહે કાયદાની લાગુ પડતી જાેગવાઈને અનુલક્ષીને જાહેર જનતાને ભય અને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી પાર્કીગ, ટ્રાફિકની વૈકલ્પીક વ્યવસ્થા, ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડી શહેરના વિવિધ માર્ગો પર વાહન વ્યવહારની અવરજવર માટે પ્રતિબંધો ફરમાવ્યા છે. આ જાહેરનામુ તા.૧૯-૦૯-ર૦ર૧ સવારના કલાક ૦૯ઃ૦૦ થી ગણેશ વિસર્જન પુર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

આ વિસ્તારોમાં નો-પાર્કિંગ

(૧) ફતેપુરા ચાર રસ્તાથી ચાંપાનેર દરવાજા થઇ માંડવી સુધી. (ર) પાણીગેટ દરવાજાથી માંડવી સુધી (૩) નાની શાકમાર્કેટ ત્રણ રસ્તાથી ચોખંડી ચાર રસ્તા,ગેંડીગેટ દરવાજા થઇ માંડવી સુધી. (૪) લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી (પ) લહેરીપુરા દરવાજા, લાલકોર્ટ,દાંડીયાબજાર ચાર રસ્તા, મહારાણી નર્સિગહોમ ચાર રસ્તા સુધી (૬) લહેરીપુરા દરવાજાથી સાધના સિનેમા, વિરભગતસિંહ ચોક,માર્કેટ ચાર રસ્તા, કિર્તીસ્થંભ સર્કલ, રાજમહેલ મેઇનગેટ થઇ મહારાણી નર્સિગહોમ ચાર રસ્તા સુધી (૭) લહેરીપુરા દરવાજાથી ગાંધીનગરગૃહ, નવાબજાર સર્કલ, અમદાવાદીપોળ સર્કલ, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા, રેલ્વે હેડ કર્વાટર થઇ મહારાણી નર્સિગહોમ ચાર રસ્તા સુધી (૮) બરોડા ઓટો મોબાઇલ, (પંચમુખી હનુમાન) જેલ રોડ, ભીમનાથ નાકા, રેલ્વે હેડ કર્વાટર થઇ મહારાણી નર્સિગહોમ ચાર રસ્તા સુધી (૯) શ્રેયલ સ્કુલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર, મોતીબાગ તોપ, રાજમહેલ મેઇનગેટ થઇ મહારાણી નર્સિગહોમ ચાર રસ્તા સુધી (૧૦) મહારાણી નર્સિગહોમ ચાર રસ્તાથી અકોટા બ્રિજ ઉપર,અકોટા બ્રિજ ચાર રસ્તા સુધી રોડની બન્ને સાઇડ તમામ વાહનો માટે સંપુણપણે !! નો પાર્કીગ ઝોન !! તરીકે જાહેર કરવામાં આવે છે.

નવલખી સહિત ચારેય કૃત્રિમ તળાવો પર ક્રેઈન, તરાપાની વ્યવસ્થા

વડોદરા કોર્પોરેશન દ્વારા શ્રીજીની પ્રતિમાની વિર્સજન માટે નવલખી સહિત ચાર સ્થળે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આ ચારે તળાવોમાં ક્રેઈન, તરાપા, લાઈટીંગ, રોડ સહિતની વ્યવસ્થા કરાઈ છે. જેમાં સવાધિક ક્રેઈન નવલખી તળાવ ખાતે મૂકવામાં આવી છે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગણેશજીની પ્રતિમાની વિસર્જન માટે નવલખી સોમા તળાવ પાસે, ગોરવા દશામા તળાવ પાસે અને સમા-હરણી રોડ એમ ચાર સ્થળે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જયારે આઈનોકસ પાસે ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા પણ નાનુ કૃત્રિમ તળાવ બનાવ્યું છે. ત્યરે આવતીકાલે આ તમામ કૃત્રિમ તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થશે. પાલિકા દ્વારા ચારે કૃત્રિમ તળાવો પર ફાયર બ્રિગેડની ટીમો સાથે તરવૈયા સ્ટ્રીટલાઈટ વિભાગ તેમજ આરોગ્યની ટીમો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત તમામ તળાવો પર ક્રેઈન તરાપા પણ મૂકવામાં આવ્યા છે. સર્વાધિક ૧૬ જેટલી ક્રેઈન અને ૧૫ ૧૭ તરાપા નવલખી તળાવમાં મૂકવામાં આવ્યા છે.