વડોદરા, તા.પ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા તળાવ પાસેના ફલેગ ગાર્ડનમાં ઓએનજીસીના સહયોગથી હોર્ટિકલ્ચર ગાર્ડન બનાવાશે. આ માટે સિવિલ અને હોર્ટિકલ્ચર લેન્ડ સ્કેપની કામગીરી રૂા.પપ લાખના ખર્ચે કરવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા સમા તળાવ ફલેગ ગાર્ડનમાં બગીચાના નવિનીકરણ અને હોર્ટિકલ્ચર ગાર્ડન રૂા.પપ.૪૦ લાખના ખર્ચે કરવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ છે. સમા તળાવ કિનારે પાલિકા દ્વારા ચાર વર્ષ અગાઉ ગાર્ડન અને ૬૭ મીટરના ફલેગનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ ભારે પવન અને વરસાદના કારણે ધ્વજ ફાટી જતાં તેને ઉતારી દેવામાં આવ્યો હતો અને લાખોનો ખર્ચ માથે પડયો હતો.

સ્થાયી સમિતિમાં રજૂ કરાયેલા કામમાં સ્ટોર રૂમ, અન્ડર ગ્રાઉન્ડ ટાંધી, પાણીની ટાંકી, પાણીની પરબ, એન્ટ્રિગેટ, આર્મી દ્વારા ઈશ્યુ કભરેલ ટેન્ક માટે પ્લેટફોર્મ તેમજ હોર્ટિકલ્ચર લેન્ડ સ્કેપમાં લોન, વિવિધ પ્રકારના ફૂલ-છોડ, વૃક્ષો, વિવિધ પ્રકારના પાર્કસનું પ્લાન્ટેશન હાથ ધરવામાં આવશે, જે પૈકી હોર્ટિકલ્ચરની કામગીરી ઓએનજીસી દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે, જેની મંજૂરી મળશે તો હોર્ટિકલ્ચરના કામનો ખર્ચ તેમાં પાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અહીં રાજ્યના સૌથી ઊંચા ફલેગ માટે વડોદરાએ પહેલ કરીને ગૌરવ મેળવ્યું હતું, પરંતુ હવે સત્તાધીશોની બેફિકરાઈથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાઈ રહ્યો નથી.