વડોદરા, તા.૮ 

શહેરના નિઝામપુરા રોઝીસ ગાર્ડન પાસે આવેલ સિદ્ધાર્થ એન્કલેવના પહેલા માળે આવેલ તંદૂર ફલેક્સ રેસ્ટોરન્ટમાં સવારે આગ લાગતાં નાસભાગ મચી હતી. આ બનાવની જાણ થતાં છાણી ટીપી-૧૩ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઉપરના માળની ઓફિસોમાંથી ૧૧ જેટલા કર્મચારીઓને રેસ્કયૂ કરીને ત્રણ ફાયર ફાઈટરોની મદદથી પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં સદ્‌નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ એલિગન્સ કોમ્પ્લેક્સના પહેલા માળે તંદૂરી ફલેટક્સ રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટના માલિક શાહનવાઝ ગત રાત્રે રેસ્ટોરન્ટ બંધ કરીને ઘરે ગયા હતા. આજે સવારે ૮ વાગ્યાની આસપાસ બંધ રેસ્ટોરન્ટમાંથી ધુમાડા નીકળતાં જાેઈને સિકયુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરતાં છાણી ટીપી-૧૩ ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો સ્થળ પર દોડી ગયા હતા. જાે કે, રેસ્ટોરન્ટ બંધ હોઈ કટરની મદદથી દરવાજા અને બારીના સળિયા કાપી આગ બુઝાવવાની કામગીરી શરૂ કભરી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતાં ગભરાઈ ગયેલા કોમ્પલેક્સના ઉપરના માળેથી ૧૧ લોકોને સુરક્ષિત બહાર કાઢી રેસ્ટોરન્ટમાંથી પાંચ એલપીજી સિલિન્ડરને સુરક્ષિત બહાર કાઢીને પોણા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર સેફટીના સાધનો કાર્યરત ન હોવાથી રેસ્ટોરન્ટ માલિકને નોટિસ

રેસ્ટોરન્ટમાં લાગેલી આગની ઘટનામાં ફાયર બ્રિગેડની તપાસમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ન હતા અને જે હતા તે પણ કાર્યરત ન હોવાથી ફાયર બ્રિગેડે રેસ્ટોરન્ટ માલિકને નોટિસ ફટકારી ૧પ દિવસમાં ફાયર એનઓસી અને ફાયરના પૂરતા સાધનોના પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત અન્ય જેટલા કોમ્પલેકસ, રેસ્ટોરન્ટ વગેરેએ ફાયર એનઓસી લીધી નથી તે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી મેળવી લેવા જણાવાયું છે.