અંક્લેશ્વર,તા.૧૧

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની મહાકાળી ફાર્મા કેમ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. ૧૫ જેટલા ફાયર ટેન્ડર્સ ની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.સદ્દભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ખાતેની મહાકાળી ફાર્મા કેમ માં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી, દરમ્યાન પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્લાન્ટમાં લાગેલી આગ નજીક મુકેલ સોલ્વન્ટના ડ્રમના સંપર્કમાં આવતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં ઉડતા દૂર દૂરથી લોકોએ ઔદ્યોગિક દુર્ઘટના ને નિહાળી હતી. ઘટના અંગે કંપની સંચાલકો એ નોટીફાઈડ એરિયાના ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતાની સાથે જ ફાયર લાશ્કરો લાયબંબા ની ચિચિયારી ઓ સાથે દોડી આવ્યા હતા.

જાેકે આગ વધુ ફેલાતા બાજુમાં આવેલ કંપનીને પણ ચપેટમાં લીધી હતી,સોલવન્ટ ના જથ્થા ના કારણે આગ વધુ વિકરાળ બનતા અંકલેશ્વર નગરપાલિકા,પાનોલી જીઆઇડીસી , ઝઘડિયા આઇડીસી તેમજ ખાનગી કંપની મળી ૧૫ થી વધુ ફાયર ટેન્ડરોની મદદ લેવામાં આવી હતી. કંપનીમાં લાગેલી આગ ના પગલે એક ટ્રક પણ બળી ને ખાખ થઇ ગઈ હતી. સુરક્ષા ને ધ્યાનમાં રાખીને જીઆઇડીસી પોલીસનો કાફલો દોડી આવી કંપની તરફ આવતા માર્ગને અવર જવર માટે બંધ કર્યો હતો. તેમજ વીજ કંપનીના કર્મચારીઓ આવી પહોંચી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.આગને પગલે અંકલેશ્વરના નાયબ કલેકટર નૈતિકા પટેલ , મામલતદાર હાર્દિક બેલડીયા ,ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમજ જીપીસીબી ટીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ સહિત ઉદ્યોગ મંડળના હોદ્દેદારો આવી પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જાેકે બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. સદ્ભાગ્યે કોઈ જાણહાનિ થવા પામી ન હતી. પરંતુ આગમાં કંપની બળીને ખાખ થઇ જતા ભારે નુકસાન થવા પામ્યુ હતુ.