આણંદ, તા.૨૮  

ખંભાત તાલુકાના કલમસર ગામે આવેલી જય કેમિકલ નામની કંપનીના ગોડાઉનમાં ગઈકાલે રાત્રે અચાનક કોઈ કારણસર આગ ભભૂકી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીના કારીગરો દોડી આવ્યા હતા. ખંભાત પોલીસને જાણ કરતાં પોલીસે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આણંદ ફાયરબ્રિગેડના બંબા ઘટના સ્થળે દોડી ગયાં હતાં.કેમિકલ ભરેલાં ગોડાઉનમાં ૯ વાગ્યાના અરસામાં કોઈ કારણો સર આગ ભભૂકી હતી, જેને કારણે ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કંપનીના માલિકને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં આણંદથી ૫ અને વિદ્યાનગરથી ૨ ફાયર ફાઈટરો સાથે પહોંચી ગયા હતા. સ્થાનિક પોલીસની મદદથી ફાયર ફાઈટરોએ આગ બુજાવવા પાણીનો મારો શરૂ કર્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાથી મોડી રાત સુધી કાબૂમાં આવી ન હતી, તેમ ખંભાત રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, પાછળથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.