વડોદરા, તા.૧૫ 

ઉત્તરાયણ પર્વે મંગળ બજારના એક મકાનના ત્રીજા માળે હોમ એપ્લાયન્સિસના ગોડાઉનમાં તેમજ વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલ ઈલેકટ્રોનિક વસ્તુઓના શો રૂમમાં ભીષણ આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. જ્યારે વાસી ઉત્તરાયણે અટલાદરા પાસે એક એપાર્ટમેન્ટના મીટરોમાં તેમજ નેશનલ હાઈવે પાસે એક ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉત્તરાયણ પર્વની રાત્રે મંગળ બજારમાં લીલારામ એન્ડ સન્સ નામના ઈલેકટ્રીકના શો રૂમના ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગતાં લોકોના ટોળા ભેગા થઈ ગયાં હતાં. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો તરત જ ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. પરંતુ સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારમાં આગને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બે કલાકની જહેમતે આગ બુઝાવી આસપાસની દુકાનોને બચાવી લેવામાં આવી હતી. જ્યારે ઉત્તરાયણની મધરાતે વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલ ઈલેકટ્રોનિકના શો રૂમમાં આગ લાગતાં દુકાન તેમજ ગોડાઉનનો સામાન આગમાં લપેટાઈ ગયો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં જ તમામ ટીવી સહિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે વાસી ઉત્તરાયણે અટલાદરા બીલ રોડ પર નિસર્ગ એપાર્ટમેન્ટના મીટરોમાં આગ લાગી હતી. જ્યારે સાંજે ગોલ્ડન ચોકડી નેશનલ હાઈવે પર ભંગારના ગોડાઉનમાં

આગ લાગતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો.