વડોદરા : શહેર નજીક આવેલા શેરખી-ભીમપુરા રોડ પર આવેલા નીલકઠં ફાર્મ હાઉસમાં આજે સવારે સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડતા વડોદરા જિલ્લા પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. તાલુકા પોલીસની છત્રછાયામાં છેલ્લા અઢી માસથી ફાર્મમાં ધમધમતા વિદેશી દારૂના નેટવર્કનો પર્દાફાશ કરી સ્ટેટ મોનિટરીંગ સેલે વિદેશી દારૂની ૧૩૫ પેટીઓ સહિત કુલ ૧૦.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાજેતરમાં કરજણ વિધાનસભા બેઠકની પેટાચુટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા વિદેશી દારૂના મુદ્દે થઈ રહેલા સામસામે આક્ષેપો અને તેના બચાવ દરમિયાન વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા આ દરોડાથી રાજકિય ક્ષેત્રે પણ ગરમાવો આવ્યો છે.  

ભીમપુરા પાસે આવેલા નીલકંઠ ફાર્મ નામના એક વૈભવી ફાર્મહાઉસમાં વિદેશી દારૂનો જંગી જથ્થો લાવીને તેનું કાર અને અન્ય વાહનોમાં કટીંગ કરાતુ હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલને માહિતી મળી હતી. આ માહિતીના પગલે સ્ટેટ મોનિટરીંગ સેલની ટુકડીએ આજે સવારે ફાર્મહાઉસની આસપાસ વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન એક વર્ના કાર ફાર્મ હાઉસમાં શંકાસ્પદ હાલતમાં પ્રવેશતા જ તેની પાછળ પાછળ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ પણ પહોંચી હતી. દરમિયાન પોલીસને જાેતા જ કારચાલક સહિત બે ઈસમો કારમાંથી ઉતરીને ફરાર થયા હતા. પોલીસે તુરંત કારને કોર્ડન કરી તપાસ કરી હતી જેમાં કારમાંથી વિદેશી દારૂના ખોખા મળ્યા હતા.

આ કાર ફાર્મહાઉસમાં વિદેશી દારૂનો જથ્થો લેવા માટે આવી હોવાની ખાત્રી થતા પોલીસે ફાર્મહાઉસમાં જ રહેતા ફાર્મ હાઉસના માલિક ચંદુભાઈ કેશવભાઈ પઢિયારને બોલાવીને તેમણે ભાડે આપેલી રૂમોમાં તપાસ કરી હતી જેમાં રણજીત ચૈાહાણ નામના શખ્સે ભાડે રાખેલી રૂમમાંથી વિદેશી દારૂની ૧૩૫ પેટીઓ મળી હતી. સમગ્ર રૂમ દારૂની પેટીઓથી ભરેલો જાેતા પોલીસ કાફલો પણ ચોંકી ઉઠ્યો હતો.

પોલીસે રૂમમાંથી વિદેશી દારૂની ૧૩૫ પેટીઓમાં મુકેલી ૭.૫૦ લાખની કિંમતની ૧૬૦૦થી વધુ બોટલો તેમજ પોલીસને જાેઈને ફરાર થયેલા બે બૂટલેગરો-ખેપિયાઓની વર્ના કાર સહિત ૧૦.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ફાર્મના માલિકની ધરપકડ કરી હતી. છેલ્લા અઢી માસથી આ ફાર્મહાઉસમાં વિદેશી દારૂનું નેટવર્ક ધમધમતુ હતું પરંતુ જિલ્લા પોલીસની એજન્સીઓ કે તાલુકા પોલીસને તેની ગંધ સુધ્ધા નહી આવતા જિલ્લા પોલીસ શંકાના ઘેરામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં યોજાનારી કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુટણીના પ્રચારમાં આવેલા પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાએ વડોદરા જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ હોવાનો જાહેરમાં આક્ષેપ કર્યો હતો અને તેને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નકાર્યો હતો. જાેકે આક્ષેપ-બચાવના ગણતરીના કલાકમાં વડોદરા જિલ્લામાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા ગૃહમંત્રીનો બચાવ પણ બોગસ સાબિત થયો છે અને આ મુદ્દે રાજકિય મુદ્દો બનશે તેમ મનાઈ રહ્યું છે.