અમદાવાદ-

શહેરના જુહાપુરામાં રહેતી પરિણીતાને તેના પતિએ જાહેરમાં ફટકારીને કહ્યું કે મારે તારી જાેડે તલાક જાેઈએ છે મારે બીજી લાવવી છે. આ બધાની વચ્ચે સતત માનસિક ત્રાસ સહન કરતી પરિણીતાએ મદદ માટે પોલીસનો સંપર્ક સાધ્યો છે. આ અંગે મહિલાની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના જુહાપુરા પાસે રહેતી ૨૬ વર્ષીય પરિણીતાના લગ્ન એક યુવક સાથે તેર વર્ષ પહેલા થયા હતાં. પરિણીતા અને પતિના લગ્ન જીવનમાં તેમને ત્રણ બાળકો છે.

લગ્ન બાદ બંને જેમ તેમ કરીને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. બંનેના લગ્ન બાદ ઘરમાં આર્થિક સ્થિતિ બગડતી જતા પરિણીતા નાના મોટા કામ કરવા લાગી હતી. પણ પરિણીતા પર પતિ શંકા કરતો હતો. જેને લઈને બન્ને વચ્ચે ઝઘડા થતા હતા અને પતિ આ પરિણીતાને માર મારવા લાગ્યો અને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

આ બધાની વચ્ચે પરિણીતા તેના ભાઈના ત્યાં રહેવા ગઈ હતી. તે સમયે તે કોઈ કામથી બહાર નીકળી તો તેનો પતિ ત્યાં આવી ગયો અને કહેવા લાગ્યો મારે બીજી લાવી છે મને તલાક આપી દે. આ સાંભળીને પરિણીતાએ એવું કેમ કહો છો કહેતા એને જાહેરમાં જ માર મારવા લાગ્યો હતો. આ બનાવ અંગે પરિણીતાએ કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેની નણંદના લગ્ન માટે ગેસના બાટલા માટે ડ્રો રાખ્યું હતું ત્યારે કોઈ પણ વ્યક્તિ ઘરે આવે તો તેનો પતિ શંકાઓ રાખતો હતો. જ્યારે આ પરિણીતા કામ કરવા જાય ત્યારે પણ પતિ શંકા રાખતો અને માર મારી ત્રાસ આપતો હતો. જેથી હવે પોલીસે આ મામલે ગુનો નોંધી પતિની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.