ઓેલપાડ,તા.૧૭ 

ઓલપાડ તાલુકાના હાથીસા ગામની સીમમાં આવેલ તળાવના ઉંડા પાણીમાં નહાવા પડેલા એક શ્રમજીવીનું ડુબી જવાથી મોત થયું છે.જ્યારે ગત બુધવાર,તા-૧૫ ની મોડી સાંજે તળાવમાં ડુબી ગયેલા શ્રમજીવીની લાશ સુરતથી આવેલ ફાયર બ્રીગેડના જવાનોએ બીજા દિવસે શોધી પરિવારજનોને સોંપી હતી.

ઓલપાડ તાલુકાના હાથીસા ગામના હળપતિવાસમાં ઘરજમાઇ તરીકે રહેતા મુળ પરીઆ ગામના વતની નટવર ઉર્ફે નટુ ઠાકોર રાઠોડ(ઉં.વર્ષ-૪૫)છુટક મજુરી કરી ગુજરાન ચલાવતો હતો.આ શ્રમજીવી ગત બુધવાર,તા-૧૫ ની મોડી સાંજે ૬ કલાકના સુમારે તળાવમાં નહાવા પડ્યો હતો.તે દરમ્યાન તળાવના ઉંડા પાણીમાં ગરક થઇ જતા તેનું મોત થયું હતું.જ્યારે આ શ્રમજીવી તળાવના પાણીમાં ડુબી ગયો હોવાની જાણ ગ્રામજનોને થતા તેની લાશ શોધ-ખોળ કરવા છતાં મળી ન હતી.જેથી સુરત ફાયર બ્રીગેડને જાણ કરાતા ફાયર જવાનાને મહામુશીબતે મૃતકની લાશ બીજા દિવસે શોધવામાં સફળતા મળી હતી.આ મામલે મૃતકની પત્ની સોનાબેન રાઠોડે ઓલપાડ પોલીસ મથકમાં તેના પતિનું તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લાશનું પીએમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ બનતાં ગામમાં શોકનું વાતાવરણ જાેવા મળ્યું હતું. ઘટના બનતાં આજુબાજુના ગામમાં પણ સમાચાર પ્રસરતાં ગમગીની છવાઇ ગઇ હતી.