મહુધા : મહુધાના કડી ગામેથી પસાર થતી મ્હોર નદીમાં સ્થાનિક કિશોર મિત્રો સાથે ન્હાવા ગયો હતો. પાણીનાં વહેણમાં ડૂબી જતાં નદીમાં માછલી પકડવા આવેલાં આસપાસના માચ્છીમારોએ બુમરાળ કરતાં સુધીમાં કિશોર નદીમાં ગરકાવ થઈ ગયો હતો. ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓ દ્વારા કિશોરની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. 

કડી ખાતે રહેતો આશરે ૧૭ વર્ષીય યુવરાજ ભરતભાઇ સોઢા પરમાર પોતાના મિત્રો સાથે ગામને અડીને પસાર થતી મ્હોર નદીમાં ન્હાવા પડ્યો હતો. અચાનક યુવરાજ નદીમાં ડૂબવા લાગ્યો હતો. જ્યાં આસપાસના ગામથી નદીમાં માછલી પકડવા આવેલા માચ્છીમારોની નજર ડૂબી રહેલાં કિશોર પર પડતાં તેઓએ બુમરાળ મચાવી દીધી હતી. તેઓનો અવાજ સાંભળી નદી કિનરાની આસપાસ રહેતાં સ્થાનિકો સહિત કેટલાંક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં, પરંતુ સ્થાનિકો બચાવ કાર્ય કરે તે પહેલાં જ કિશોર નદીમાં ગરકાવ થઈ ગયો હતો. આખરે સ્થાનિક કિશોર નદીમાં ડૂબવાની વાત કડી ગામમાં વાયુ વેગે પ્રસરતાં ગ્રામજનોના નદી કિનારે ટોળાં વળી ગયાં હતાં. સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં ગરકાવ થયેલાં કિશોરની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં મહુધા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.