મુંબઈ-

ટ્રાયલ કોર્ટ દ્વારા સગીર બાળાને છાતીના ભાગે સ્પર્શ કરવા બદલ, બાળકોનું જાતિય અત્યાચારો સામે રક્ષણ કરનારા કાનૂન હેઠળ જેને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી એવા એક ૩૯ વર્ષીય આરોપીને મુક્ત કરતા મુંબઈ હાઈકોર્ટે કહ્યું હતું કે, જાતિય સંબંધના ઈરાદાથી શારીરીક અંગપ્રવેશ તેમજ ત્વચાથી ત્વચાનો સીધો સ્પર્શ કરવામાં આવ્યો ન હોય તો તેને જાતિય હુમલો ગણી શકાય નહીં.

નાગપુર હાઈકોર્ટની બેંચના જસ્ટીસ પુષ્પા ગનેડીવાલાએ કહ્યું હતું કે, પોક્સો કાનૂન હેઠળ આવતા જાતિય હુમલામાં ત્રણથી પાંચ વર્ષની જેલની કડક સજા માટે જે જરુરી છે તેવા વધુ નકકર પૂરાવા અને ગંભીર આરોપોની આ કેસમાં કમી છે.

તેમણે કહ્યું હતું કે, જેના પર આરોપ મૂકાય છે એ વ્યક્તિએ બાળાનુું પહેરણ ઉતારીને છાતીને સ્પર્શ કર્યો કે કેમ એમાં જવાની જરુર નથી કેમ કે કોઈપણ વધારાની વિગતની મદદ વિના આરોપીએ પહેરણ ઉતારીને છાતીને સ્પર્શ કર્યો કે પછી અંદર હાથ નાંખીને સ્પર્શ કર્યો એ બાબતને જાતિય ગુનામાં સામેલ કરી શકાય નહીં.

છતાં, ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ આ ગુનો જાતિય શોષણનો છે,એમ કહીને આ અપરાધને નાના અપરાધમાં સામેલ કર્યો હતો, અને વ્યક્તિને ત્રણ ને બદલે એક વર્ષની જેલની સજા સુણાવી હતી.

આ કેસમાં કોર્ટ સામે સવાલ એ હતો કે, છાતીને દબાવવી અને સલવાર કાઢવાનો પ્રયાસ કરવો એ પોક્સો કાનૂનની કલમ ૮ અંતર્ગત ગુનો બને છે કે કેમ. આરોપી પક્ષના વકીલ એમ જે ખાનની દલીલ હતી કે તે પોક્સો હેઠળ ગુનો બને છે, જ્યારે હાઈકોર્ટે મત આપ્યો હતો કે, આ કેસમાં જાતિય ગુનાની ગંભીરતાને અનુરુપ સજા કરવાની હોય છે.

આ કેસમાં બાળાએ કોર્ટમાં કહ્યું હતું કે, આરોપીએ તેને લાલચ આપીને બોલાવ્યા બાદ તેની છાતી દબાવીને સલવાર દૂર કરવા પ્રયાસ કર્યો હતો. તે બૂમ પાડવા જતાં તેણે તેના મોઢે હાથ મૂકી દીધો હતો. તેને શોધતી તેની માતા દોડી ગઈ ત્યારે આરોપી ભાગી ગયો હતો અને માતાએ બાળાને પોલીસ સ્ટેશને લઈ જઈને ફરીયાદ નોંધાવી હતી. આ શખ્સને જામીન પર છોડાયો હતો પરંતુ હાઈકોર્ટે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યો હતો. તેની બાકીની સજા તેણે જેલમાં પૂરી કરવી પડશે.