ત્રિચી-

2019ના ડિસેમ્બર મહિનામાં પુડુકોટ્ટાઈ જીલ્લાના કેરાનુર ખાતે માનસિક વિકલાંગ એવા 17 વર્ષના તરુણ પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારવાના ગુના બદલ અત્રેની એક મહિલા કોર્ટે ગુજરાતના 34 વર્ષીય શખ્સને જનમટીપની ત્રેવડી સજા ફટકારી છે. આ શખ્સ નામે દાનિશ પટેલ ગુજરાતનો વતની હતો અને કપચીના કારખાનામાં રોજમદાર તરીકે કામ કરતો હતો. 

આ કપચી બનાવવાના કારખાનાની નજીકના એક ગામમાં આ દાનિશ પટેલ રહેતો હતો. પોલીસના જણાવ્યાનુસાર, એ ગોઝારા દિવસે આરોપી દાનિશ પટેલ આ હતભાગી માનસિક વિકલાંગ 17 વર્ષીય તરુણને પોતાના સ્કુટર પર બેસાડીને એકાંતની જગ્યાએ લઈ ગયો હતો. તેના પર સૃષ્ટ વિરૂદ્ધનું કૃત્ય ગુજાર્યા બાદ તેણે તેના મળમાર્ગમાં છોડના લાકડા ઠાંસી દીધા હતા, જેને પગલે તરુણને આંતરીક ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આવા જાતિય અત્યાચાર બાદ તરુણને પુડુકોટ્ટાઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આંતરીક અંગોમાં ગંભીર ઈજાઓને પગલે તેની હાલત વધારે બગડી હતી અને 18 દિવસ બાદ તેનું મોત થયું હતું. 

એ જ દિવસે આરોપીની ધરપકડ કરી લઈને તેની સામે ગુંડા ધારા દાખલ કરાઈ હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પોલીસે ગુનાની કલમ દાખલ કર્યા બાદ મહિલા કોર્ટમાં ખટલો આવ્યો હતો. તરૂણની માનસિક પંગુ હાલતનો લાભ ઉઠાવવા બદલ, જાતિય હુમલા દ્વારા સંભોગ કરીને આંતરીક અંગોને ઈજા પહોંચાડવા બદલ પોકસોની ધારા 5 કે, આઈ અને જે હેઠળ તેની સામે ગુનો દાખલ કરાયો હતો. ઉપરાંત તેની સામે તરુણના અપહરણની કલમ 363 અને ખૂનની કલમ એટલે કે, 302 પણ લગાવાઈ હતી. 

આ કેસમાં સજા સુણાવતા જીલ્લા જજ આર સત્યાએ આરોપીને ત્રેવડી જનમટીપની સજા સુણાવી હતી અને સાથે રૂપિયા 30,000નો દંડ ફટકાર્યો હતો. મોત પામનાર તરુણના પરીવારને રૂપિયા 6 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને વધારાના રૂપિયા 3 લાખ રાહત પેટે પરીવારને ચૂકવવા જણાવ્યું હતું.