માંડવી,તા.૮ 

માંડવી પોલીસ સ્ટેશનના અરેઠ આઉટ પોસ્ટ ખાતે એક વ્યક્તિએ તેનો ફોન શંકાસ્પદ હાલતમાં પકડી રાખતા ફરજ પરના પોલીસ કર્મીને તેના પર શંકા જતા તેનો ફોન ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેના ફોનમાં વિડિઓ રેકોર્ડિંગ ચાલુ હોય અને છાનામાના પ્રતિબંધિત વિસ્તારમાં વીડિયો રેકોર્ડિંગ કરતો હોવાથી તેના વિરુદ્‌ધ ગુનો નોંધાયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ સ્ટેશનના અરેઠ આઉટ પોસ્ટ ખાતે એક પોલીસ કર્મી લોકલ અરજીની તપાસની કામગીરી કરતો હતો ત્યારે ત્યાં હાજર અતુલ વિઠ્ઠલભાઇ ખોખર રહે. પાસોદલા, તા. કામરેજ) દ્વારા પોતાનો મોબાઈલ ફોન શંકાસ્પદ પકડી રાખવામાં આવ્યો હતો. ફરજ પરના પોલીસ કર્મીને તેના પર શંકા જતા તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેના મોબાઈલ ફોનમાં વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ ચાલુ હતું. ફરજ પરના પોલીસ કર્મી દ્વારા તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ ચોકી જેવા પ્રતિબંધિત વિસ્તારમાં છાનામાના વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ કરી ગુપ્ત માહિતીઓ બીજાને આપવાની તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની શંકા હોવાથી અતુલ વિરુદ્‌ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.