ટોક્યો

જાપાનના આયોજકોએ આગામી ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન મુલાકાતીઓને સમાવવા માટે સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા ક્ષમતાને મંજૂરી આપી છે અને તમામ સ્થળોએ પ્રેક્ષકોની મર્યાદા નક્કી કરી છે. જો કે ૧૦,૦૦૦ થી વધુ દર્શકોને કોઈપણ સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ૨૩ જુલાઈથી ઓલિમ્પિક રમતોત્સવ યોજાશે. આ રમતો ગયા વર્ષે કોરોના વાયરસના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. સ્થાનિક આયોજકો, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ, આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ, જાપાનની સરકાર અને ટોક્યોની મહાનગર સરકારના પ્રતિનિધિઓ સાથે જોડાયેલી પાંચ-પક્ષની વાટાઘાટો પછી આ ર્નિણય લેવામાં આવ્યો છે.

આ ર્નિણય દેશના મુખ્ય તબીબી સલાહકાર ડો. શિગેરુ ઓમીના મતની વિરુદ્ધ છે. તેમણે ગયા અઠવાડિયે ભલામણ કરી હતી કે ચાહકો વિના ઓલિમ્પિક યોજવાનો સૌથી સલામત રસ્તો હશે. ઓલિમ્પિકના કેટલાક મહિના પહેલા વિદેશથી આવતા ચાહકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે, સ્થાનિક ચાહકો પર કડક નિયમો લાગુ પડશે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેમને અવાજ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સ્ટેડિયમની અંદર માસ્ક પહેરવા પડશે. તેમને સ્ટેડિયમ છોડ્યા પછી સીધા ઘરે જવાની સલાહ આપવામાં આવી છે.આયોજકોએ જણાવ્યું હતું કે આ રમતોની ૩૬ થી ૩૭ લાખ ટિકિટ સ્થાનિક લોકોની પાસે છે.

વડા પ્રધાન યોશીહિદ સુગા જેમણે ચાહકોને મંજૂરી આપવાનું સમર્થન કર્યું છે, તેમણે સત્તાવાર ઘોષણા કરતા પહેલા કહ્યું હતું કે જો પરિસ્થિતિ બદલાય તો તેઓ ચાહકોને પ્રતિબંધિત કરી શકે છે. સુગાએ કહ્યું કે જો કટોકટીની સ્થિતિ આવશ્યક બને તો હું રાહતનો અભિગમ લઈશ. રમતોના સલામત આચાર માટે મને ચાહકો વિના તેનું આયોજન કરવામાં ખચકાટ થશે નહીં. સ્થાનિક આયોજન સમિતિના અધ્યક્ષ સીકો હાશીમોટોએ કહ્યું કે રમતો દરમિયાન રોગચાળા સાથે સંકળાયેલી અનિશ્ચિતતાને સ્વીકારવી મહત્વપૂર્ણ છે.

“આપણે સાનુકૂળ અભિગમ જાળવવો પડશે. જો પરિસ્થિતિમાં અચાનક પરિવર્તન આવે તો ર્નિણય લેવા માટે અમે ફરીથી પાંચ પક્ષની બેઠકો કરીશું. " ટોક્યોમાં છેલ્લા સાત દિવસથી કોરોના વાયરસના લગભગ ૪૦૦ કેસ દરરોજ આવી રહ્યા છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે પરંતુ અધિકારીઓને ડર છે કે ઓલિમ્પિક અને નવા પ્રકારના વાયરસને કારણે કેસ ફરીથી વધી શકે છે.