ગાંધીનગર-

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના બેઠકરૂમમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાની સૂચના પક્ષ તરફથી આપવામાં આવી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ ધારાસભ્યોને તમામ વિસ્તારોની જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેર કોંગ્રેસના ધારાસભ્યોને કોર્પોરેશનની જવાબદારી આપવામાં આવશે. આ સાથે જ જિલ્લા અને તાલુકા કક્ષાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોને જવાબદારી આપવામાં આવી શકે તેમ છે.વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પ્રાથમિક આયોજન પણ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ કયાં મુદ્દા સાથે કોર્પોરેશન ઇલેક્શન અને તાલુકા તથા જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં ચૂંટણીના મેદાને ઊતરશે તે બાબતની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાર્ટીઓ તરફથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરુપે ગુજરાત કોંગ્રેસ પક્ષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.