રાજકોટ-

આગામી દિવસોમાં રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ ચૂંટણી પહેલાં રાજકોટ મનપાની છેલ્લી જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના 28 જેટલા વિવિધ કોર્પોરેટરોએ 39 જેટલા પ્રશ્નો પૂછવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ જનરલ બોર્ડ શરૂ થતાની સાથે વોર્ડ નંબર 13ના મહિલા કોર્પોરેટર જાગૃતિ ડાંગર દ્વારા શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાની હાલત અંગેનો સવાલ પૂછતાં મામલો ગરમાયો હતો. જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો માત્ર એકબીજા પર જ આક્ષેપબાજી કરતા જોવા મળે છે. આ ઉપરાંત શહેરના વિકાસના મુદ્દાની ચર્ચા બન્ને પક્ષના કોર્પોરેટરો વચ્ચે ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે આજે એટલે કે સોમવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં પણ લોકોના પ્રશ્નોની ચર્ચાને બદલે બન્ને પક્ષના કોર્પોરેટરો એકબીજા પર આક્ષેપ કરતા નજરે પડ્યા હતા. કોરોના મહામારી વચ્ચે પ્રજાના પ્રતિનિધિઓ જ જનરલ બોર્ડના સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. એકબીજા પર આક્ષેપ કરવામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોને જાણે કોરોના જેવું કંઈ હોય નહીં એમ જ સામાન્ય સભાની જેમ વર્તન કરતા હતા. માત્ર નામનું જ સોશિયલ ડિસ્ટન્સ જનરલ બોર્ડની શરૂઆતમાં જોવા મળ્યું હતું.