વડગામ : બનાસકાંઠામાં આવેલી એશિયાની નંબર વન ગણાતી બનાસડેરીની ચૂંટણીને લઇને રાજકીય ધમાસણ મચી ગઇ છે.જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બનાસડેરીની ચૂંટણીમાં વડગામ વિભાગમાંથી ડીરેકટર માટેના ઉમેદવાર તરીકે વડગામ તાલુકાના જલોતરાના રહેવાસી અને સતત ત્રીજા વર્ષે બનાસડેરીની ચૂંટણીમાં ડીરેકટર તરીકે ઉમેદવારી કરતાં દિનેશ ભટોળના સમર્થનમાં જલોતરામાં સભા યોજાઈ હતી.જેમા વડગામ તાલુકાના ભાજપ અને કોંગ્રેસના તમામ આગેવાનો સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં એક મંચ ઉપર આવતા ભાજપ- કોંગ્રેસ ભાઇ ભાઇ જેવો માહોલ લોકોને જોવા મળ્યો હતો.રાજકીય ચુંટણીમાં આમને સામને રહેતા ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં એક બનીને બનાસડેરીના ચેરમેન અને ભાજપમાં ભારે પ્રભુત્વ ધરાવતા શંકરભાઇ ચૌધરીની પેનલમાંથી ડીરેકટર તરીકે ઉમેદવારી કરનાર દિનેશ ભટોળને ડેરીની ચૂંટણીમાં જીતાડવા એક બનતા લોકોમાં પણ અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.વડગામ તાલુકા કોંગ્રેસના આગેવાન અને બનાસ બેન્કના પૂર્વ ચેરમેન દલસંગભાઇ પટેલ,પચાણકાકા પટેલ, તાલુકા સંઘના પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ (પેપોળ)તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ માનસંગભાઇ ઉપલાણા, લક્ષ્મણજી રાજપૂતસહીત તાલુકા અનેક કોંગ્રેસના આગેવાનો જલોતરામાં ઉપસ્થિત રહ્યા હતા.બનાસડેરીના વડગામ તાલુકાના ૧૨૦ મતદારોમાંથી ૧૦૭ મતદારો જનસમર્થનમાં ઉપસ્થિત રહીને દીનેશ ભટોળને ઉમેદવારી કરવા સમર્થન કર્યું હતું. દીનેશ ભટોળ સોમવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે.હવે જોવાનું રહ્યું કે વડગામ પંથકમાંથી બનાસડેરી ડીરેકટરપદે કોણ ચૂંટાશે તે તો સમય બતાવશે.