વડોદરા, તા.૨૪ 

વડોદરા જિલ્લાના કરજણ ટાઉન ખાતે જૂના બજાર વિસ્તારમાં આવેલ તળાવમાં રહેતા માનવભક્ષી મગર સાથે ગામના આધેડ વાતો કરતા અને અવારનવાર નમન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. જાે કે, આ ઘટનાને નજરે જાેનાર સ્થાનિકો દ્વારા આધેડને સમજાવવા માટે અનેક પ્રયાસો નિરર્થક રહ્યા હતા. જાે કે, સદ્‌નસીબે મગર આધેડ પર હુમલો કર્યા વગર પાણીમાં સરકી ગયો હતો. જેથી આધેડ તળાવના કિનારેથી પરત ફર્યા હતા. આ સમગ્ર ચકચારી બનાવની વિગત અનુસાર શહેર નજીક કરજણ ટાઉનના જૂના બજાર વિસ્તારના તળાવમાં એક માનવભક્ષી મગર વસવાટ કરે છે ત્યારે કરજણમાં રહેતા પોતાને ખોડિયાર માતાના ભક્ત સમજતા પંકજભાઈ નામના આધેડ તળાવના કિનારે તડકો લેવા બહાર આવેલા મગર પાસે પહોંચ્યા હતા અને જય માતાજીના નામ સાથે તળાવના કિનારે બેઠેલા મગરને અડીને બે હાથ જાેડી નમન કરતા હતા, જે લોકોની નજરે ચઢયા હતા. તમાશાને તેડુ ન હોય, જાેતજાેતામાં કુતૂહલવશ લોકોના ટોળાં તળાવના કિનારે ઉમટી પડયાં હતાં અને જીવના જાેખમે મગરને અવારનવાર અડીને નમન કરનાર પંકજભાઈને બૂમો પાડીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પંકજભાઈ ટસના મસ ન થયા નહોતા અને મગર સાથે તેમની રમત ચાલુ રાખી હતી. જાે કે, મગર પંકજભાઈને કોઈ પણ નુકસાન કર્યા વગર પાણીમાં સરકી જતાં આબાદ બચાવ થયો હતો. એટલું જ નહીં, ઘટનાસ્થળ પર હાજર લોકોએ તેમનો વીડિયો શૂટિંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં ચર્ચાનો વિષય બન્યો હતો.