શ્રીનગર-

દક્ષિણ કાશ્મીરના મીજ પમ્પોરમાં ગુરુવારથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં આજે સવારે એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે તેનો અન્ય સાથી હજી પણ આ વિસ્તારમાં છુપાયેલા છે અને એન્કાઉન્ટર ચાલુ છે.ગત સાંજે આતંકવાદી એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન અને અન્ય બે નાગરિકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત એક નાગરિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષાદળોને બાતમી મળી હતી કે પુલવામાના મીજ પમ્પોર વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયેલા છે. બાતમીના આધારે સેનાએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની ટીમ સાથે મળીને આ વિસ્તારનો ઘેરાવ કરવાનું શરૂ કરી દીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહેવાલ છે કે આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

આતંકીઓની ગોળીબારમાં સેનાનો એક જવાન અને બે સ્થાનિક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એક નાગરિકનું મોત નીપજ્યું હતું. અંધકારને કારણે રાત્રે એન્કાઉન્ટર કરવાનું બંધ કરાયું હતું.