અમદાવાદ-

મણિનગર વિસ્તારમાંથી ગુમ થયેલી સગીરા પરત મળી આવી છે. મણિનગર પોલીસની પૂછપરછમાં સગીરાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. દીકરીના ગુમ થવાનો વીડિયો વાયરલ કરી ફરિયાદ આપનાર લુધિયાણાના આધેડ સગીરાનો નકલી બાપ હોવાનું ખુલ્યું છે. નકલી બાપ બની વિકલાંગ આધેડ અલગ અલગ સ્થળે હોટલોમાં લઈ જઈને સગીરાનું શારીરિક શોષણ કરતો હતો. જેથી મોકો મળતાં સગીરા વિકલાંગ આધેડના ચુંગાલમાંથી નાસી છૂટી હતી. મણિનગર પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ શરૂ કરી છે.

સોશિયલ મીડિયામાં એક આધેડ પોતાની ૧૭ વર્ષની દીકરી ગુમ થઈને વિખૂટી પડી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. લુધિયાણાના વિકલાંગ આધેડ કુલદીપસિંહની દીકરી ગુમ થવાની ફરિયાદ જે મામલે મણિનગર પોલીસે નોંધી હતી.

મણિનગર પોલીસે રોડ પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં સગીરા રીક્ષા અને બાઇક પર જતાં જાેવા મળી હતી. સગીરાને કુબેરનગર વિસ્તારમાંથી મળી આવી હતી. પોલીસે સગીરાની પૂછપરછ કરતાં મોટો ઘટસ્ફોટ થયો છે. સગીરા પોતે આસામની રહેવાસી છે તેણે જણાવ્યું હતું કે, વિકલાંગ આધેડ કુલદીપસિંહ તેનો પિતા નથી. ગત એપ્રિલ માસમાં કુલદીપસિંહ લોકડાઉનમાં આસામ ગયો હતો. બલિયા ગામમાં આવેલી ગુરુદ્વારામાં રોકાયો ત્યારે આ સગીરાના પરિવારના સંપર્કમાં આવ્યો હતો.

લોકડાઉનમાં ધંધો બંધ થઈ જતા કુલદીપસિંહએ સગીરાની માતાને જણાવ્યું હતું કે, હું તેને ભણાવવા અને આર્થિક મદદ સાથે લઈ જાઉં અને સારી રીતે રાખીશ. છેલ્લા એક વર્ષથી આરોપી સગીરાને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં લઈને ફરતો હતો. અલગ અલગ જગ્યાએ પોતાના વિકલાંગતાના બહાને દીકરીને ભણાવવા આર્થિક મદદ માટે ગુરુદ્વારામાં ભીખ માંગતો હતો. લોકો ફંડ ભેગું કરીને પૈસાની મદદ કરે ત્યારે પૈસા લઈને હોટલમાં રોકાવવા જતો રહે અને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. થોડા દિવસ પહેલા જ્યારે અમદાવાદ આવી ત્યારે કુબેરનગર ખાતે રહેતી એક મહિલાના સંપર્કમાં આ સગીરા આવી હતી અને જ્યારે ફરી અમદાવાદ આવે ત્યારે વાત કરવા કહ્યું હતું. તક મળતા કંટાળેલી સગીરાએ બહેનને ફોન કર્યો અને ગુરુદ્વારાથી નાસી છૂટી હતી.