સુરત-

સ્ત્રીને અબળા ગણવામાં આવતી હતી એ દિવસો હવે પૂરા થયા છે. આજની નારી પોતાના હક કયા છે, એ સારી રીતે માત્ર સમજતી જ નથી પણ તેના માટે તે લડી પણ લે છે. આ વાતને સાચી સાબિત કરતા સુરતમાં બે દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કઢાયેલી મહિલાએ પોતાના સાસરીવાળાઓની સામે મોરચો માંડ્યો છે. મહિલા પોતાના પરિવારજનોની સાથે સાસરીના ઘરની બહાર ધરણા પર બેઠી છે. ક્યારેક બેઘર બનાવી દેવાયેલી મહિલા હવે પતિના ઘરની બહાર જ ધરણા પર બેઠી છે.

 સોનલબેન સવાણી નામની આ મહિલા સુરતના વરાછા વિસ્તારની શ્વેતરાજ હંસ સોસાયટીમાં હાલ એક મહિલા ધરણા પ્રદર્શન પર ઉતરી છે. સોનલબેનને તેના જ સાસરિયાવાળાઓએ 20 મહિનાથી ઘરની બહાર કર્યાં છે. પોતાની બે દીકરીઓ સાથે મહિલા ધરણા પર ઉતરી છે. પોતાનો માનવ અધિકાર મેળવવા મહિલાએ પતિના ઘરની બહાર જ મોરચો માંડ્યો છે. કપોદ્રા પોલીસને જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે બનાવ અંગે ક્યાસ કાઢવા પ્રયાસ કર્યો હતો. 

સોનલબેને જણાવ્યું કે, તેમના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. તેમના પતિનો કન્સ્ટ્રક્શન વ્યવસાય છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે, પરંતુ દીકરો નથી. તેથી તેમના સાસરીવાળા હંમેશા તેમનાથી નાખુશ રહેતા હતા. તેથી તેમના પતિએ તેમને દીકરીઓ સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. મારી એક દીકરી મારા પતિની પાસે જ છે. તેના બાદ હુ મારા પિતાને ત્યાં પિયરમાં રહી હતી. પરંતુ હું મારો હક મેળવવા માંગું છું. મેં કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. હું છેલ્લાં 20 મહિનાથી અલગ અલગ જગ્યાએ રહીને મારી દીકરીઓનું ભરણપોષણ કરી રહી છું. આખરે કંટાળીને મેં આ પગલું ભર્યું છે. આખરે મેં ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો. મહિલા દ્વારા તેના પતિના ઘરની બહાર ધરણા પ્રદર્શન કરાયા છે. પોતાનો હક દર્શાવતા બેનર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. સોનલબેનનો આક્ષેપ કે, તેની પહેલા પણ પાંચ યુવતીઓ સાથે તેના સાસરીવાળા દ્વારા આ રીતે કરવામાં આવ્યું હતું. સોનલબેને કહ્યું હતું કે, પોલીસને જણાવવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.