વડોદરા : શહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ મસાલા મિલ પાસે આવેલા સાંઈનાથનગરમાં ૫૦ વર્ષીય શાંતિલાલ મગનભાઈ સોલંકી રહે છે. તેઓ પાલિકાના વહીવટી વોર્ડ નં.૧ની કચેરીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં બે પુત્રીઓ છે, જેઓના લગ્ન થઈ જતાં સાસરીમાં રહે છે. તેમની દીકરી શિલ્પા માતા-પિતાને મળવા જમાઈ રવિભાઈ સાથે પોતાના પિયરમાં આવી હતી, જ્યાં દીકરી-જમાઈને વિદાય કર્યા બાદ સફાઈ કર્મચારી શાંતિલાલ સોલંકીએ પોતાના મકાનનો દરવાજાે બંધ કરી સુુસાઇડ નોટ લખી બાથરૂમમાં શરીરના ગળાના ભાગે બ્લેડના ઘા ઝીંકી આપઘાત કરી લીધો હતો.

દીકરી-જમાઈને મૂકી ઘરે પરત ફરેલા શાંતિલાલના પત્ની જસીબેને મકાનનો દરવાજાે ખટખટાવતાં દરવાજાે નહીં ખૂલતાં તેમને પાડોશીઓને જાણ કરી હતી. જેથી સ્થાનિક લોકો ભેગા થયા હતા, પરંતુ ઘરમાં જવા માટેનો મુખ્ય પ્રવેશદ્વાર એક જ હોઈ ચાર ઘર છોડીને બીજાના મકાનના ઉપરના ભાગેથી શાંતિલાલના ઘરમાં આવી તપાસ કરતાં સફાઈ કામદાર શાંતિલાલ સોલંકી લોહીમાં લથપથ હાલતમાં જણાઈ આવ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં બાપોદ પોલીસ તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટ કબજે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બનાવ અંગે મૃતકના ભાઈ દિનેશ સોલંકીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મારા ભાઈને છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ ફોન ઉપર અજાણી વ્યક્તિઓ મારી દીકરીની છેડતી કરી હોવાનું જણાવી ધાક-ધમકી આપી પૈસાની માગણી કરતા હતા. જેથી મારા ભાઈએ મજબૂર થઈ આપઘાત કર્યો છે. મારા ભાઈને માથે કોઈ દેવું નથી. પરંતુ અજાણી વ્યક્તિમાં એક મહિલા અને એક પુરુષ વીડિઓ કોલ કરી મારા ભાઈને ધાક-ધમકી આપી માનસિક ત્રાસ આપી રહ્યા હતા, જેથી નાછૂટકે શાંતિલાલે આપઘાત કરવો પડ્યો છે. હાલ તો પોલીસે પરિવારજનોના આક્ષેપથી મૃતકનો મોબાઈલ ફોન કબજે કરી તેઓને ફસાવી દેવાની ધાક-ધમકી આપી પૈસાની માગણી કરનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી સાચી હકીકત મેળવવા વધુ તપાસ આરંભી છે.