ખેડબ્રહ્મા : સાબરકાંઠા જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દાખલ થયેલા કોરોનાના દર્દીઓમાં કોરોના સામે લાડવા સકારાત્મક વાતાવરણ પુરૂ પાડવાના ઉદ્દેશ્યથી ધ્યાન, પ્રાર્થના અને પ્રાણાયામ કરી શકે તે માટે મ્યુઝિક સિસ્ટમ (ધ્વનિ–પ્રકાશની) કોવિડ વિભાગના વોર્ડમાં મૂકવામાં આવી છે. મેડીકલ સુપ્રિટેન્ડેન્ટની પ્રેરણાથી પ્રાર્થના, પ્રાણાયામ, નાદયોગ વગેરે થઈ શકે અને કોરોનાના દર્દીઓને માનસિક શક્તિમાં વધારો થાય તે માટે કોવિડ વોર્ડમાં મ્યુઝિક સિસ્ટમ મૂકવામાં આવી છે. કોરોનાની બીમારીને કારણે દર્દી માનસિક રીતે પીડાતા હોય છે. જેના કારણે તેઓ જલ્દી સ્વસ્થ થઈ શકતા નથી. ઘણા સ્વસ્થ દર્દીઓનું અચાનક મૃત્યુ થતું હોય છે. જેથી દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ રહે એની ચિંતા કરીને જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દાખલ થયેલા દર્દીઓને ધ્યાન, પ્રાર્થના અને પ્રાણાયામ કરી નાદ યોગ ધ્વારા માનસિક રીતે સ્વસ્થ કરવા માટે કોવિડનો તમામ સ્ટાફ પ્રયત્નશીલ છે.  

સવાર સાંજ પ્રાર્થના, નાદ યોગ વગેરે નિત્ય થાય છે. જેથી દર્દીને પણ હળવાશ અનુભવાય છે. કોરોનાના દાખલ થયેલા દર્દીઓ માટે વાંચનાલયની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સ્ટાફ ધ્વારા પોતાના ઘરે જે પુસ્તકો હોય એ લાવીને મૂકવામાં આવ્યા છે. દર્દીને વૈચારિક શક્તિ પ્રાપ્ત થાય એ હેતુથી વાંચનાલયની પણ શરૂઆત કરી છે.