વડોદરા : રાજ્ય સરકારે ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ ૨૦૨૧નો કાયદો ઘડી નવો કાયદો રાજ્યભરમાં ૧પમી જૂનથી લાગુ કરવામાં આવ્યો છે તેના ત્રણ દિવસ બાદ મૂળ મુસ્લિમ યુવાને ખ્રિસ્તી જ્ઞાતિનું નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લવજેહાદનો ખેલ ખેલ્યાનો વડોદરા શહેરમાં ગોત્રી પોલીસ મથકે પ્રથમ કિસ્સો નોંધાયો છે. આ મુસ્લિમ યુવાન વિરુદ્ધ લવજેહાદ એટ્રોસિટી તેમજ શારીરિક-માનસિક ત્રાસ અંગેનો ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા આ ચકચારી સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરા શહેરમાં લવજેહાદનો ગુનો પોલીસ મથકે નોંધાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં વિધર્મી યુવાનો દ્વારા બહેલાવી- ફોસલાવીને ધર્માંતરણ કરવાના કિસ્સાઓમાં વધારો નોંધાતાં કાયદો બનાવવાની માંગ ઊઠી હતી. આખરે રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ-૨૦૨૧નો કાયદો ઘડ્યો હતો અને તાજેતરમાં જ નવો કાયદો રાજ્યભરમાં ૧૫ જૂનથી લાગુ કરવામાં આવ્યો હતો. નવો કાયદો લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરા શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો અને મટનની દુકાન ધરાવતો મુસ્લિમ યુવાન સમીર અબ્દુલ કુરેશીએ ખ્રિસ્તી નામ માર્ટીન સેમ ધારણ કરીને હિન્દુ યુવતી સાથે મિત્રતા બાંધી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે તેવું જણાવી વિશ્વાસ કેળવીને દબાણ કરીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ મૂળ મુસ્લિમ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને યુવતીની જાણ બહાર તેના નગ્ન ફોટા પાડી દીધા હતા. મુસ્લિમ યુવકે યુવતીના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી પણ થઇ હતી. યુવતીને પ્રથમ વખત બે માસનો ગર્ભ રહી જતાં મેડિકલ સ્ટોરમાંથી તેની દવા લાવીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. ત્યાર બાદ ફરી એક વખત યુવતીને પાંચ માસનો ગર્ભ રહી જતાં ડોક્ટર પાસે યુવતીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના બાદ મુસ્લિમ યુવકે યુવતીને કલ્યાણનગર ગોસિયા મસ્જિદ ખાતે લઇ જઇ યુવતીનું હિન્દુ નામ રાખવાને બદલે તેણીનું મુસ્લિમ નામ રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢ્યા હતા અને યુવતીનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું. ત્યાર બાદ યુવતીને મુસ્લિમ ધર્મ પાળવા માટે દબાણ કરવામાં આવતું હતું તથા તેના માતા- પિતાને જાતિવિષયક ગાળો આપીને તેની સાથે મેરેજ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. આટલેથી નહિ અટકતાં મુસ્લિમ યુવકે સાસરીમાં રહેવા ગયેલી યુવતીને માર મારી તું મુસ્લિમ માટે બની જ નથી તેમ જણાવી ત્રાસ ગુજાર્યો હતો. આખરે સમગ્ર મામલે યુવતીએ યુવક વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે આરોપી સમીર કુરેશી સામે બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ ૨૦૨૧ની કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નવા લવજેહાદના કાયદામાં પાંચ વર્ષની સજા અને બે લાખના દંડની જાેગવાઈ

જાણીતા વકીલ અને હિન્દુ જાગરણ મંચના અગ્રણી એડ્‌વોકેટ નીરજ જૈને આજે વડોદરામાં લવજેહાદના નવો કાયદો અમલી બન્યા બાદ નોંધાયેલા લવજેહાદના ગુના અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, લવજેહાદના નવા કાયદામાં આરોપીને પાંચ વર્ષની સજા અને રૂા.ર લાખના દંડની જાેગવાઈ છે. જાે પીડિતા એસ.ટી./એસ.સી. હોય તો આરોપીને સાત વર્ષની સજા અને દંડની જાેગવાઈ છે. વધુમાં નીરજ જૈને જણાવ્યું કે શહેરની કોઈપણ જ્ઞાતિની બહેન-દીકરીઓને લવજેહાદની તકલીફ હોય તેમને મદદરૂપ થવા હિન્દુ જાગરણ મંચ તત્પર છે. આ ઉપરાંત આ કિસ્સાઓ દરેક બહેન-દીકરીઓએ કોઈપણ યુવાન સાથે મિત્રતા કરતી વખતે સૌ પ્રથમ યુવાનનું ફેમિલી બેકગ્રાઉન્ડ તેમજ તેની વર્ણણૂક ચકાસવી, ત્યાર બાદ આગળ મિત્રતા રાખવી કે કેમ? એ અગત્યનું છે તેમ જણાવ્યું હતું.

યુવતીઓ ફ્રેન્ડશિપ રીકવેસ્ટ અંગે જાગૃત બને

મહિલા સુરક્ષા સમિતિના અગ્રણી શોભનાબેને વડોદરા શહેરમાં આજે પોલીસ મથકે નવા લવજેહાદનો કાયદો અમલી બન્યા બાદ પ્રથમ વખત નોંધાયેલી ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, બહેન-દીકરીઓ દ્વારા ઈન્ટરનેટ-સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે મિત્રતાની રિકવેટ કે ઓફર કરવામાં આવે ત્યારે સામેની વ્યક્તિના તમામ પાસાં ચકાસવા જાેઈએ અને આંધળી દોટ મૂકવી ન જાેઈએ. યુવતીઓ દ્વારા આંધળી દોટ મૂકવાથી આવા કિસ્સાઓ બનતા રહે છે. સૈતાની દિમાગ ધરાવતા યુવાનો યુવતીઓને લાલચ આપી ફસાવે છે. ત્યાર બાદ તેનો ગેરલાભ ઉઠાવે છે. બીજી તરફ સમાજમાં અવારનવાર બનતા કિસ્સાઓને ધ્યાનમાં લઈને યુવતીના માતા-પિતાએ પણ પોતાની દીકરી માટે સજાગ રહેવાની જરૂર છે.

યુવતી ગર્ભવતી બનતાં ડોકટર પાસે ગેરકાયદે ગર્ભપાત કરાવ્યો

તરસાલી ખાતે રહેતો આરોપી સમીર કુરેશીએ હિન્દુ યુવતીને ફસાવી લગ્ન કરવાની લાલચ આપી યુવતીને કરજણ હાઈવે પર આવેલ લક્કી પંજાબની સામે આવેલ પિરામીતાર હોટલ ખાતે અને શહેરના પંડયા બ્રિજ ખાતે આવેલ મિત્ર મહેર મલેકના ફલેટમાં લઈ જઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં તેણીની બે વાર ગર્ભવતી બનતાં ગેરકાયદે ગર્ભપાત પણ ડોકટર પાસે કરાવ્યો હતો. કયા ડોકટર પાસે ગર્ભપાત કરાવ્યો એ તપાસનો વિષય બને છે. કાનૂની સલાહ વગર ગર્ભપાત કે ગર્ભ નિરીક્ષણ કરવું એ ગુનો બને છે. જેથી પોલીસે એ દિશા તરફ તપાસનો દોર લંબાવ્યો હોવાનું જાણવા મળે છે.