ગીર સોમનાથ:

ગુજરાતમાં શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસમાં મંગળવારે જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શાનાર્થે મોટી સંખ્યમાં દર્શનાર્થીઓ મંદિરે પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામા દર્શનાર્થી ઉમટી પડ્યા હતા તેમજ થોડા અંશે અવ્યવસ્થા પણ ઉભી થઈ હતી. તેથી ત્યારે આગામી દિવસોમાં કોઈ અવ્યવ્સથા ન ઉભી થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના બાદ તમામ ક્ષેત્રે સોશિયલ ડિસ્ટનસ જાળવવું ફરજિયાત બન્યું છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા શ્રધ્ધાળુઓ સાથે પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારથી જ સોશિયલ મીડિયામાં દર્શન શરૂ રાખવા જોઈએ કે નહીં તે બાબતે ભારે ઘમાસાણ સર્જાઈ હતી. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવા ઘર્ષણની પરિસ્થિતિને સંપૂર્ણ પણે ટાળવા માટે પાસ સિસ્ટમ ફરજીયાત પણે લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ શ્રધ્ધાળુઓને સોમનાથમાં દર્શન કરવા માટે સોમનાથની વેબસાઈટ www.somnath.org પરથી રજીસ્ટ્રેશન કરીને ટાઈમ સ્લોટ બુક કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. સાથે જ સોમનાથમાં દર્શનાર્થે આવીને જે ઓનલાઈન બુક ન કરી શકે તેને સોમનાથ બહારના પથિક આશ્રમ ખાતે કાઉન્ટર બનાવી અને તેઓના અરાઈવલ પાસ કાઢી આપવામાં આવશે.