વડોદરા : વડોદરાના અલકાપુરીમાં વિસ્તારના સંગીતા એપાર્ટમેન્ટમાં આવેલા બરોડા ઇમેજિંગ સેન્ટરમાં શનિવારે રાત્રે કોરોનાના દર્દીને એમ્બ્યુલન્સમાં લાવ્યા બાદ સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. અને એમ્બ્યુલન્સ અટકાવીને સોસાયટીનો ગેટ બંધ કરી દીધો હતો. શનિવારે રાત્રે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવેલા દર્દીનું સારવાર દરમિયાન આજે સોમવારે મોત થયું છે. અલકાપુરીના સંગીતા એપાર્ટમેન્ટમાં બરોડા ઇમેજિંગ સેન્ટર ધરાવતા ડો.વીરેન શાંતિલાલ શાહે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સંગીતા એપાર્ટમેન્ટના રહીશો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાને લઇને સરકારની ગાઇડલાઈન મુજબ રેડિયોલોજિસ્ટ તરીકે તપાસ કરીને દર્દીઓને રિપોર્ટ આપે છે. શનિવારે સાંજે સોસાયટીના કેતન શાહ અને તપન કિશોર કોટિયાએ તેમને વોટ્‌સએપ મેસેજ કર્યો હતો અને તમારે ત્યાં કોરોનાના દર્દી આવતા હોવાથી અમે સોસાયટીનો ગેટ બંધ કરીએ છીએ, તેમ જણાવ્યું હતું. જેથી તેમણે વળતો મેસેજ કર્યો હતો કે, આ મહામારીમાં ડોક્ટરની સર્વિસ બંધ કરવી ગેરકાયદે છે અને સરકાર પગલા લઈ શકે છે, તેમ છતાં ગેટ બંધ કરાશે તો તેના માટે તેઓ જવાબદાર નથી. ત્યારબાદ શનિવારે રાત્રે સાડા નવ વાગે બરોડા ઇમેજિંગ સેન્ટરમાં તપાસ માટે એક દર્દીને રિધમ હોસ્પિટલ લઇને એમ્બ્યુલન્સ આવી હતી, પરંતુ, રહીશો સોસાયટીના ગેટ પાસે ઊભા રહી ગયા હતા અને એમ્બ્યુલન્સ આગળ બેસી જઈ રસ્તો રોકી તેઓએ એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દર્દી તથા તેના સગાઓ સાથે બોલાચાલી કરી તેમને ભગાડી મૂક્યા હતા. જોકે, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો અને દર્દીને ઇમેજિંગ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાથી હોસ્પિટલમાં પરત લઇ ગયા બાદ બીજા દિવસે દર્દીનું રિધમ હોસ્પિટલમાં જ કોરોનાની સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.