વલસાડ, તા.૧૧ 

 કલવાડા ગામનું ડુંગરિયા પહાડ ફળિયા- પીઠા પાટિયા નજીક આવેલું છે ત્યાં રહેતા વલસાડ ડેપોના કંડકટર મુકેશભાઈ છગનભાઈ પટેલના ખેતરમાંના ૪૨ ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર કોઈ કારણોસર પડી જતા બહાર નીકળી શકતો ન હતો.

 ઊંડો કૂવો હોઇ મોરને બચાવવા માટે વલસાડ નગરપાલિકાના કર્મી જાણીતા જીવદયા પ્રેમી મહેશભાઈ ચૌહાણને બોલાવતા તા.૧૦મીએ ધસી આવી યુવાનોના સહકારથી કૂવામાં ઉતરીને ધોતી કપડાથી મોરને પકડીને સહી-સલામત બહાર કાઢ્યો હતો જેમાં મહેશભાઈને સારી એવી મહેનત કરવી પડી હતી. બહાર કઢાયેલા મોરને દેશી સારવાર કરી થોડીવાર આરામ કરાવ્યો કેમકે તે ઘેનવાઈ ગયો હતો અને ઉડી શકતો ન હતો. ત્રણેક કલાક બાદ રાહત થતા મોરને ગગનવિહારી બનાવાયો હતો. જે માટે મુકેશભાઈએ મહેશભાઈ ચૌહાણનો નિસ્વાર્થ સેવા માટે ખાસ આભાર માન્યો હતો.