ગાંધીનગર, ગાંધીનગરના પૂર્વ મેયર રીટા પટેલના પતિ કેતન પટેલની સેકટર-૧૧ માં આવેલી અને કહેવાતી ગેરકાયદેસર બિલ્ડીંગ ‘સ્કાય લાઈન’ના નિર્માણ સમયે માટી ધસી પડતાં દાહોદના યુવાનનું મોત નીપજયું હતું. આ મૃતક યુવાનના પિતા દ્વારા કેતન પટેલ સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કેતન પટેલ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે મૃતક યુવાનના પિતા દ્વારા ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને એક અરજી કરી છે. આ અરજીની એક નકલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમજ કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને પણ મોકલી છે.

ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટા પટેલના પતિ કેતન પટેલ દ્વારા તેની સેક્ટર ૧૧ માં આવેલ અને કહેવાતી ગેરકાયદેસર ‘સ્કાય લાઈન’ બિલ્ડીંગના નિર્માણ સમયે માટી ધસી પડતાં પોતાનો પુત્ર ગુમાવનાર પિતાએ કરેલ પોલીસ કેસ પરત ખેચી લેવા માટે તેની હત્યા કરી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. જેના કારણે પાટનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહિ આ પીડિત પિતા દ્વારા કેસ પરત ખેચી લેવા કેતન પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહને તેમજ જિલ્લા પોલીસ વડાને અરજી કરીને આ મામલે તાકીદે ઘટતી કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભુતપૂર્વ મેયર રીટાબેન પટેલની માલિકીના એવા સેક્ટર ૧૧ માં આવેલ ગેરકાયદેસર કહેવાતા એવા ‘સ્કાયલાઇન’ બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન દાહોદના ભરતભાઈ રૂપાભાઈ મછારનો પુત્ર માટી ધસી પડતા મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાના પગલે ભરતભાઈ રૂપાભાઈ મછાર દ્વારા તત્કાલિન સમયે ગાંધીનગરના સેકટર ૭ પોલીસ મથકમાં આઇપીસી કલમ ૩૦૪ તેમજ અનુસૂચિત જાતિ જનજાતિ ૨૦૧૫ ની કલમ ૩(૨)(૫) હેઠળ પૂર્વ મેયર રીટાબેન પટેલના પતિ કેતન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

જાે કે, ભારે રાજકીય વગ ધરાવતા કેતન પટેલ સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહિ તેઓ આ કેસમાં કેતન પટેલ ભાગેડુ છે તેવો આક્ષેપ પણ ભરતભાઈ દ્વારા કરાયો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી પૂર્વ મેયરના પતિ કેતન પટેલ દ્વારા ભરતભાઈ મછારને આ કેસ પાછો ખેંચી લેવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપવા આવતી હોવાથી આ મામલો જિલ્લા પોલીસ વડા સમક્ષ પહોંચ્યો છે.

અરજદાર ભરતભાઈ મછાર દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં કરેલી અરજી મુજબ આરોપી કેતન પટેલ પૂર્વ મેયરના પતિ હોવાથી રાજકીય તેમજ બે નંબરનું પીઠબળ ધરાવે છે. અને ઉપરોક્ત ફરિયાદ રદ કરવા માટે તથા આગોતરા જામીન મેળવવા તેમની તરફેણમાં સોગંદનામું કરવા ઉપરાંત ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરી અવારનવાર ભરતભાઈને ધાક-ધમકી આપવામાં આવી રહી છે.