વડોદરા : વડોદરામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઓકસીજનની અછત કે કટોકટી ઉભી ન થાય તે માટે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે સરકીટ હાઉસ વડોદરા ખાતે ઓક્સિજનની હાલની જરૂરિયાત, ઉપલબ્ધતા અને ખૂટતા જથ્થા અંગેની પરિસ્થિતિની અધિકારીઓ સાથેની બેઠકમાં સમીક્ષા કરી હતી.

આ બેઠક બાદ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં સરકારી અને ખાનગી કોવિડની સારવાર કરતાં દવાખાનાઓમાં ઓકસીજન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.હાલમાં શહેર જિલ્લામાં ઉપલબ્ધ જથ્થા સામે ઓક્સિજનની ઘટ છે. એની પૂર્તતા કરવા રાજ્ય સરકાર સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.વડોદરા શહેર જિલ્લાને કોવિડની પરિસ્થિતિમાં મળવા પાત્ર ઓકસીજનનો જથ્થો મળી રહે તે માટે આવતીકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.તેમ તેમણે

ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને તાલુકા મથકોએ ઓક્સિજનનો પૂરતો જથ્થો અસરકારક અને જરૂરી માત્રામાં મળી રહે તે માટે બે ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે જેઓ ઓકસીજન વિતરણ વ્યવસ્થાની તકેદારી રાખી રહ્યા છે. વડોદરા શહેરમાં અગાઉ ઉભી કરવામાં આવેલી સરકારી અને ખાનગી કોવિડ સારવાર કરતી હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવશે જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

તેમણે જણાવ્યું કોવિડ સારવાર લેતા અને ઓક્સિજનની જરૂરિયાતવાળા તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે તંત્ર એ સુચારુ વ્યવસ્થા કરી છે.હાલમાં કોઇ મુશ્કેલી નથી.પરંતુ આગામી દિવસોમાં ઓકસીજનની વધુ જરૂરિયાત ઊભી થાય તો સભવતઃ પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરાનું તંત્ર સજ્જ હોવાનું તેમને ઉમેર્યું હતું.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે વડોદરાને હાલમાં ૧૭૦ ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ૧૬૫ ટન જેટલો ઓકસીજન પુરવઠો મળી રહ્યો છે.જેમાં પાંચ ટનની ઘટ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ઓકસીજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે અને ઘટની પૂર્તતા સત્વરે પુરી કરવા માટે રાજ્ય સરકાર સાથે સંકલન સાધવું જરૂરી છે.ઓક્સિજનની ખામીથી કોઈ દુર્ઘટના ના બને તે માટે આગોતરૂ આયોજન કરવુ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ડો. રાવે કહ્યું કે વડોદરામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ૧૩,૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે.જે પૈકી ૯૦૦૦ ઓકસીજન બેડ,૨૫૦૦ આઇ.સી. યુ બેડ અને ૧૧૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.હાલમાં કટોકટીની પરિસ્થિત હોવા છતાં ૨૦૦૦ ઓકસીજન બેડ, ૨૦૦ થી ૨૫૦ જેટલા આઈ.સી.યુ બેડ અને વેન્ટિલેટર ખાલી છે.હાલમાં કોરોનાના ૧૦૦૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે.વેન્ટિલેટર પણ ટર્ન મુજબ બે કલાકમાં મળી જાય છે.

વધુમાં તેમણે કહ્યુ હતુ કે, વડોદરા શહેરમાં અન્ય જિલ્લાના ૨૦૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે વડોદરાને રિલાયન્સ જામનગરથી ત્રણ થી ચાર ટેન્કર,ભાવનગરથી બે ટેન્કર ઝઘડિયાથી એક ટેન્કર અને કરજણથી ૫૫ ટન ઓક્સિજન મળી રહ્યો છે.આ ઉપરાંત ભરૂચથી ખાનગી કંપની સાથે સંકલન કરી ૧૫ ટન ઓક્સિજન મેળવવામાં આવી રહ્યો છે.અન્ય જિલ્લાના સોર્સમાંથી વડોદરાને ઓકસીજનનો જથ્થો મળી રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતુ.

વડોદરા નણઘણીયાતુ છે ?

ગુજરાતમાં નેતાગીરીમાં આ વડોદરા નવઘણીયાતુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે સુરતમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઓકિસજન લઈ આવ્યા સૌરાષ્ટ્ર મુખ્યમંત્રી વિજય રુપાણી રાજકોટના છે. જયારે અમદાવાદના ઉત્તર ગુજરાતમાં ઓકિસજનની શોર્ટેજ થાય તો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ છે. આ તમામ દિગ્ગજાે પોતાના હોદ્દા અને પહોંચની રુએ પુરતો જથ્થો મેળવી લે છે. અને ભાજપના દિગ્ગજ નેતાઓ સામે વડોદરાના નેતાઓ કઈ કરી શકે તેમ નથી. ત્યારે વડોદરા નઘણીયાતુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કરકસર ભર્યા વપરાશ માટે ઓકસીજન મેનેજમેન્ટ ગાઈડ લાઇન નક્કી કરાઈ

વડોદરા ઃ કોવિડ ની સારવાર ની વાત કરવામાં આવે તો ઓકસીજન પણ એક કિંમતી ઔષધ જેવી અને જેટલી જ અગત્યતા ધરાવે છે અને સારવાર દરમિયાન તેના બગાડ કે લીકેજ ની સંભાવનાઓ અટકાવી ને કરકસર ભર્યો વપરાશ જરૂરી છે.ત્યારે ઓએસડી ડો.વિનોદ રાવે,૬ તજજ્ઞ અને અનુભવી તબીબો ની મદદથી ઓકસીજન મેનેજમેન્ટ ગાઈડ લાઈન અમલમાં મકી છે.આ ગાઈડ લાઈનમાં દર્દીઓ ન પુરતુ ઓકસીજન મળી રહે અને તેના બગાડ અને લિકેજની તમામ સંભાવનાઓને લઘુત્તમ રાખવા માટે લેવા યોગ્ય તકેદારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેના અનુસંધાને સયાજી અને ગોત્રી હોસ્પિટલો તેમજ અટલાદરા અને સમરસ હોસ્ટેલની વિસ્તરણ સારવાર સુવિધાઓ ખાતે જેમના નેતૃત્વ હેઠળ દર્દીઓની સારવાર થઈ રહી છે તેવા ૨૦ જેટલા વરિષ્ઠ તબીબોને ઓકસીજન મેનેજમેન્ટ નોડલ અધિકારીઓ તરીકે નીમવામાં આવ્યાં છે.