રાજકોટ, આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક સમાજ પોતપોતાનાં કદ અને કક્ષા પ્રમાણે શક્તિપ્રદર્શન યોજીને ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે ત્યારે લેઉવા પટેલ જ નહીં, અન્ય અનેક સમાજના આસ્થાના પ્રતીક સમા ખોડલધામમાં વધુ એક મોટો ધાર્મિક પ્રસંગ રાખવાની તૈયારી શરૂ થઈ છે. હવે જાે કોરોના ગાઈડલાઈન્સ હળવી થશે તો નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ખોડલધામ ખાતે પાટીદાર પાવર શો થશે અને એમાં વડાપ્રધાનને હાજર રાખવાનાં ચક્રો ગતિમાન થયાં છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આ પ્રકારના ધાર્મિક મેળાવડા મારફત પાટીદારોનું શક્તિપ્રદર્શન યોજીને રાજકીય કદ વધારવાનું ગણિત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલા અને દેશભરનાં જાણીતાં ધર્મસ્થાનોની યાદીમાં સ્થાન મેળવનારા લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીકસમું ખોડલધામ તૈયાર થયું હતું. ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ રેકોર્ડબ્રેક લોકોની હાજરી વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેને આગામી ૨૧ જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી પાટોત્સવ યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં મોટી વસતિ ધરાવતા લેઉવા પટેલ સમાજના લાખો લોકો ખોડલધામના કોઈપણ ધાર્મિક પ્રસંગમાં ઊમટી પડતા જ હોય છે. ૨૧મી જાન્યુઆરીના પાટોત્સવમાં પણ ઊમટી પડવાનું સ્પષ્ટ છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ખોડલધામના ટ્રસ્ટીઓએ ત્રણ મીટિંગ પણ કરી લીધી છે. એટલું જ નહીં, ખોડલધામના પ્રણેતા અને ચેરમેન નરેશ પટેલે અમરેલી, જૂનાગઢ તથા જામનગર જિલ્લાઓનો પ્રવાસ પણ કરી લીધો છે. આવવારા દિવસોમાં અન્ય જિલ્લાઓ તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોની મુલાકાત લઈને તૈયારીઓને આગળ ધપાવશે એવા નિર્દેશ છે. મહત્ત્વની બાબત એ છે કે જાે કોરોનાની ગાઈડલાઈન્સ હળવી થશે તો ખોડલધામના પાટોત્સવ પ્રસંગે વડાપ્રધાન પણ હાજર રહેશે એવા પ્રાથમિક નિર્દેશો છે. ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. કાર્યક્રમ વિશે પ્રાથમિક માહિતી આપી દેવામાં આવી છે. તરત જ વિધિસર આમંત્રણ આપવા માટે ટ્રસ્ટીઓ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળશે.