આણંદ : અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર આણંદ તાલુકાના અડાસ ગામના ગોહિલ નગર પાટીયા પાસે વાસદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન વડોદરા તરફથી આવતી મિની ટ્રકને અટકાવી તેની તપાસ કરતાં શાકભાજીના પોટલાની નીચેથી ૭૧૯.૮૬૫ કિલોગ્રામ (અંદાજે કિંમત રૂ.૨૪,૧૧,૭૧૫)નો પોસડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આ સંદર્ભએ વાસદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોસડોડોના જથ્થા સાથે મિની ટ્‌કેરને પણ જપ્ત કરી હતી. 

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, વાસદ પોલીસ મથકના પીએસઆઈ પી.જે. પરમાર અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર અડાસ ગામના ગોહિલ નગર પાટીયા પાસે વાહનોની તપાસ કરી રહ્યાં હતો. એ સમયે વડોદરા તરફથી આવતી એક મિની ટ્રકને પોલીસે અટકાવીને તેની તપાસ કરતાં ટ્રકની પાછળના ભાગે શાકભાજીના પોટલાંઓ ભરેલાં હતાં. વધુ તપાસ કરતાં શાકભાજીની નીચે પણ અન્ય પોટલાં ભરેલાં હતાં. પોલીસે શંકાના આધારે શાકભાજીના પોટલાંઓ હટાવી નીચેના પોટલાંઓની તપાસ કરતાં તેમાં પોસડોડાઓ ભરેલાં હોવાનું જણાયું હતું. પોલીસે મિની ટ્રકના ચાલકની આકરી પૂછપરછ કરતાં ગોપાલભાઈ જીવણભાઈ સોંડાણાએ શાકભાજીના નીચેના પોટલાંઓમાં પોસડોડાઓનો જથ્થો ભરેલો હોવાની કબૂલાત કરી લીધી હતી.

આ અંગે વાસદ પોલીસે સર્કલ પીઆઈને જાણ કરતા એમ. આઈ. ઝાલા ઘટનાસ્થળે આવ્યાં હતાં. એફએસએલ અધિકારીને બોલાવી મિની ટ્રકમાંથી મળેલાં પદાર્થની ચકાસણી કરાવતાં એ જથ્થો પોસડોડાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટ્રકચાલક ગોપાલભાઈ જીવણભાઈ સોંદાણા (રહે. કદોડરા, સુરત) તેમજ ટ્રકનું પાયલોટિંગ કરનારાં અને પોસડોડાનો જથ્થો ભરાવનાર ભીખાભાઈ ચારણ અને કડાભાઈ ચારણ (બંને રહે. પલ્સનેર, મધ્યપ્રદેશ) સહિત ત્રણની ધરપકડ કરી હતી. ત્રણેય સામે એનડીપીએસ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી પોસડોડાનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ રકમ, મિનિ ટ્રક સહિત રૂ.૨૪,૧૧,૭૧૫નો મુદ્દામાલ કબજે લીધો હતો.