વલસાડ, વલસાડ તાલુકાનાં ડુંગરી નજીક શંકર તળાવ નેશનલ હાઈવે ૪૮ પર રહેલ કૃપા માર્કેટિંગનાં ગોડાઉનમાંથી રૂ. ૯.૩૬ લાખનું ગેરકાયદેસરનું ૨૦,૮૦૦ લીટર પ્રવાહી ઝડપાઇ આવતા સમગ્ર પંથક માં ચકચાર મચી છે. ડુંગરી પોલીસે ૨૨.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમની ધરપકડ કરી અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી

વલસાડ તાલુકાના ડુંગરી શંકરતળાવ ગામની બાલાજી વેફર કંપનીની બાજુમાં હાઇવે પાસે ચાલતા કૃપા માર્કેટિંગનાં ગોડાઉનમાં આજરોજ ડુંગરી પોલીસ મથકનાં પી.એસ.આઈ. અને પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં એક કન્ટેનર નંબર જી.જે. ૧૫ ઝેડ ૧૧૧૬ માંથી રૂપિયા ૯,૩૬,૦૦૦ નો ગેરકાયદેસરનો જાેખમકારક જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવતાં પોલીસે કાયદેસરની કામગીરી હાથ ધરી હતી. આ સાથે અન્ય એક કન્ટેનર નંબર એમ.એચ. ૦૬ એ.કયું. ૩૨૦૫ માથી જ્વલનશીલ પ્રવાહી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર ત્રણ નંગ તથા ચિંતન એન્જિનિયરિંગ કંપનીનો મોટર પંપ પણ પોલીસને મળી આવ્યો હતો. ડુંગરી પોલીસ દ્વારા રૂપિયા ૯,૩૬,૦૦૦ નું જ્વલનશીલ પ્રવાહી રૂપિયા ૭,૦૦,૦૦૦ ની કિંમતનું ટેન્કર તથા રૂપિયા ૫,૦૦,૦૦૦ ની કિંમતનું કન્ટેનર તથા રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતની ત્રણ નંગ ઇલેક્ટ્રિક મોટર અને રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતનો મોટર પંપ અને રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતનાં ત્રણ નંગ મોબાઇલ ફોન સાથે કુલ ૨૨,૧૬,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે ડુંગરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણ શ્યામરાવ એ ફરિયાદ નોંધાવતા ડુંગરી પોલીસે ઇપીકો કલમ ૨૮૫, ૩૪ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા ૩,૭, અને ૧૧ મુજબ મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલ ડુંગરી બજાર ખાતે એપાર્ટમેન્ટમાં રહેતા ૪૩ વર્ષીય ધર્મેશ મનુ પટેલ ઉં.વ. અને યુપી ફુલપુર નાં રહીશ નરેશ યાદવ ની ધરપકડ કરી વડોદરાના મહેશ પટેલ અને ભગવતીભાઈ જૈન એમ બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી, ડુંગરી પી.એસ.આઇ. રાજપૂત દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.