રાજપીપળા, નર્મદા જિલ્લા એલસીબીને એક મોટી સફળતા હાથ લાગી છે.મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લવાતા ૩૦ લાખના વિદેશી દારૂના જથ્થાને બાતમીને આધારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા એલસીબી એ ૨ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે અન્ય ૨ ને વોન્ટેડ જાહેર કર્યા છે.આ વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં પાછળ સેવિંગ જેલના પેકીંગના ખોખામાં મૂકી ઉપર તાળપતરી બાંધી નંદુરબાર મહારાષ્ટ્રના માર્ગે વાયા નર્મદા થઈ અમદાવાદ લઈ જવાતો હતો.નર્મદા એલસીબી એ ગુજરાતમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવાનું ષડ્યંત્ર ઝડપી પાડ્યુ છે.

મહારાષ્ટ્ર માંથી નર્મદા જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થા સાથે ટ્રક પસાર થવાની હોવાની પાક્કી બાતમી નર્મદા એલસીબી ને મળી હતી.ગુજરાતના અમદાવાદમાં મહારાષ્ટ્ર થઈ વાયા નર્મદા માંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઘૂસાડવાનું બુટલેગરોને ભારે પડ્યું હતું.નર્મદા એલસીબી પીઆઈ એ.એમ.પટેલ સહિતના પોલીસ સ્ટાફે ૨ દિવસ સુધી જિલ્લાની ધનસેરા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી.દરમિયાન ટ્રક નંબર પીબી ૧૧ એજી ૮૯૬૯ નંબરની ટ્રક શંકાસ્પદ હાલતમાં ધનશેરા ચેકપોસ્ટ પર આવી પહોંચતા પોલીસ ટીમોએ ટ્રક રોકી પૂછતાછ હાથ ધરી હતી, ડ્રાયવર અને ક્લીનરે પોલીસને યોગ્ય જવાબ ન આપતા ટ્રકની તપાસ હાથ ધરતા એમાંથી ૨૦,૮૦૮ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.નર્મદા એલસીબી ને આ વિદેશી દારૂનો જથ્થો દમણથી અમદાવાદ તરફ જતો હોવાની માહિતી મળી હતી.બાદ એલસીબી એ ટ્રક ડ્રાયવર પંજાબ જલંધરના રાકેશ અજિત રામ હિર તથા પંજાબ શાર્દુલ ગઢના.ક્લીનર રણજીતરામ શતપાલરામની ધરપકડ કરી ૨૯,૬૪, ૦૮૦ રૂપિયાનો વિદેશી દારૂ અને ૭ લાખની ટ્રક મળી કુલ ૩૬,૬૪,૦૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી બાજુ આ વિદેશી દારૂ જ્યાં સપ્લાય થવાનો હતો એવા કુલદિપસિંગ અર્જુનસિંગ સોની રહે.સિરસા હરિયાણા તથા દમણના રમેશ પટેલ ઉર્ફે માઈકલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.