અમદાવાદ-

બાપુનગરમાં પોતાની પત્નીનું પાડોશમાં રહેતા આધેડ સાથે લફરુ હોવાની શંકા રાખીને પતિએ પત્નીને આધેડના ઘરે રાખડી બાંધવા માટે લઈ ગયો ત્યારે આધેડ અને તેના પરિવારે પતિ પત્ની સાથે ઝઘડો કર્યો જો કે ઝઘડો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે, બંન્ને પક્ષોએ એક બીજા પર તલવાર વડે હુમલો કરી એક બીજાને ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે બાપુનગર પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

બાપુનગરના રહેતા પાડોશીઓ વચ્ચે અવાર નવાર કોઈના કોઈ બાબતે રકઝક થતી હતી. જો કે એક પરિવારમાં રહેતા પતિને તેની પત્ની પાડોશમાં રહેતા આધેડ સાથે લફરુ ચાલતું હોવાની શંકા રાખીને પત્નીને આધેડના ઘરે જઈને રાખડી બાંધવા જવાની વાત કરી હતી. જો કે પત્નીએ ના પાડી હતી. બાદમાં પતિ-પત્નીને સાથે રાખીને આધેડના ઘરે ગયો હતો અને જણાવ્યું હતું કે, મારી પત્ની સાથે રાખડી બંધાવી લે જો કે આધેડે રાખડી બંધાવવાની ના પાડી હતી અને ખોટી શંકા કેમ રાખો છે તેમ જણાવ્યું હોવાથી મામલો બિચક્યો હતો અને બંન્ને પરીવાર સામ સામે ઝઘડો કરવા લાગ્યા હતા. જો કે આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે, બંન્ને પરીવારો સામ સામે મારી મારી પર ઉતરી આવ્યા હતા અને એક બીજાને લાકડી અને લોખંડની પાઈપો મારવા લાગ્યા હતા. દરમિયાન બંન્ને પરીવાર ક્યાંકથી તલાવર લઈને આવ્યા હતા અને એક બીજા પર તલવાર મારવાના પ્રયાસ કરવા લાગ્યા હતા. જેમાં સામ સામે તલવાર વાગતા બંન્ને પરીવારના ચાર લોકોને ઈજાઓ થવા પામી હતી. આ ઘટનાની જાણ બાપુનગર પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બંન્ને પરીવારે એક બીજા પર ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રોસ ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.