વડોદરા

મચ્છીપીઠ વિસ્તારમાં શોપીંગ કોમ્લ્પેક્સમાં આવેલી કુરિયર સર્વિર્સની ઓફિસમાં ગત રાત્રે બર્થડે પાર્ટીની ઉજવણી માટે જામેલી વિદેશી દારૂની મહેફિલમાં કારેલીબાગ પોલીસે દરોડો પાડી નાગરવાડા-મચ્છીપીઠના ચાર યુવકોને દારૂના નશામાં ઝુમતા ઝડપી પાડ્યા હતા.

કારેલીબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફને ગત રાત્રે પેટ્રોલીંગ દરમિયાન માહિતી મળી હતી કે મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા આદિલ શોપીંગ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઈન્ટરનેશનલ કુરિયર સર્વિસ નામની ઓફિસમાં આમીર પઠાણ સહિત અન્ય યુવકો બર્થડે પાર્ટીની ઉજવણી માટે દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતીના પગલે પોલીસે તુરંત ઉક્ત સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં ઓફિસનું શટર અડધુ ખુલુ રાખીને ઓફિસમાં ચાર યુવકો દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા હતા.

નશો કરતા ઝડપાયેલા કુરિયર સર્વિસ ઓફિસ સંચાલક ૩૧ વર્ષીય આમીર નશરુલ્લાખાન પઠાણ (સોદાગર જીમખાના બીજામાળે, નવાબવાડા, રાવપુરા) તેમજ ૨૩ વર્ષીય અઝહર રફીકભાઈ શેખ (મદીન મંજીલ, રાવપુરા, મચ્છીપીઠ), ૩૮ વર્ષીય ઈમરાન ઈબ્રાહીમખાન પઠાણ (ગોકુળ એપાર્ટમેન્ટ,નાગરવાડા) અને ૨૮ વર્ષીય શાહરૂખ સરવરખાન પઠાણ (ગીતાંજલી એપાર્ટમેન્ટ, નાગરવાડા)ની પોલીસે નશાબંધીના ગુનામાં ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ યુવકો શાહરૂખ પઠાણની બર્થડે હોઈ તેની ઉજવણી માટે દારૂની મહેફિલ માણતા હોવાની તેમજ ઓફિસ સંચાલક આમીર પઠાણ બે મહિના પહેલા પણ નશો કરવાના ગુનામાં ઝડપાયો હોવાની વિગતો મળી હતી. પોલીસે તેઓની પાસેથી બોટલમાં વધેલો વિદેશી દારૂ તેમજ નાસ્તાના પડીકા સહિતની ચીજાે કબજે કરી હતી.