નવી દિલ્હી

દેશમાં કોરોનાની બીજી લહેર દિવસે ને દિવસે ખતરનાક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3 લાખ 54 હજાર 533 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી હતી. વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કેસનો આ આંક સૌથી વધુ છે. આ દરમિયાન 2,806 લોકોનાં મોત થયાં. રાહતની વાત છે કે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 2 લાખ 18 હજાર 561 લોકો સાજા થયા હતા.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા 28 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલમાં 28 લાખ 7 હજાર 333 દર્દી સારવાર લઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 14 રાજ્યમાં 10 હજારથી પણ વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,191 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ પછી કર્ણાટક અને યુપીમાં 34 હજારથી વધુ કેરળ અને દિલ્હીમાં 22 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.