દિલ્હી-

જીએસટીની વસૂલાત પર કોરોના મહામારી અસરનો અંત આવી ગયો છે. હવે એના મારફત થતી કમાણીએ ઝડપ પકડી છે. જાન્યુઆરીમાં સરકારને જીએસટીથી સૌથી વધારે આશરે 1.2 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ ડિસેમ્બરની રૂપિયા 1.15 લાખ કરોડની રેકોર્ડ કમાણી થઈ છે, જ્યારે ગયા વર્ષની તુલનામાં એ 8 ટકા વધારે છે.

છેલ્લા 4 મહિનાથી સરકાર જીએસટીથી રૂપિયા 1 લાખ કરોડ કરતાં વધારે આવક મેળવી રહી છે. સરકારે કહ્યું હતું કે બનાવટી બિલ અટકાવવાની કવાયત, જીએસટી, ઈન્કમ ટેક્સ અને કસ્ટમ આઈટી સિસ્ટમના ડેટાનું વિશ્લેષણ તથા અધિકારીઓનાં કડક પગલાંને લીધે છેલ્લા કેટલાક મહિનાથી વસૂલાતમાં વધારો થઈ રહ્યો છે.

સરકારે કહ્યું હતું કે 31 જાન્યુઆરી 2021ની સાંજે 6 વાગ્યા સુધીમાં મહિનાભરની વસૂલાત 1 લાખ 19 હજાર 847 કરોડ રૂપિયા થઈ છે. એમાંથી સીજીએસટી વસૂલાતનો હિસ્સો 21 હજાર 923 કરોડ રૂપિયા છે અને એસજીએસટી વસૂલાતનો હિસ્સો રૂપિયા 29 હજાર 014 કરોડ રૂપિયા રહ્યો છે. આઇજીએસટી વસૂલાતનો હિસ્સો 60 હજાર 288 કરોડ રૂપિયા રહ્યો છે.

એમાં રૂપિયા 27 હજાર 424 કરોડની વસૂલાત આયાતી વસ્તુઓથી થઈ છે. સેસથી રૂપિયા 8 હજાર 662 કરોડની જ્યારે આયાતી વસ્તુથી મેળવેલ રૂપિયા 883 કરોડ રૂપિયાની સેસ વસૂલીનો પણ સમાવેશ થાય છે.

જાન્યુઆરી મહિનામાં 31 જાન્યુઆરી,2021 સુધી કુલ 90 લાખ જીએસઆરટી-3બી રિટર્ન દાખલ કરવામાં આવ્યા છે. સરકારે રેગ્યુલર સેટલમેન્ટ સ્વરૂપમાં આઇજીએસટીથી એસજીએસટીમાં 24 હજાર 531 કરોડ રૂપિયાના અને એસજીએસટીમાં 19 હજાર 371 કરોડ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યુ છે. રેગ્યુલર સેટલમેન્ટ બાદ જાન્યુઆરી 2021માં કેન્દ્ર સરકારને સીજીએસટીથી કુલ 46 હજાર 454 કરોડ રૂપિયા અને તમામ રાજ્યોને એસજીએસટી થી કુલ 48 હજાર 385 કરોડ રૂપિયાની કમાણી થઈ.