વડોદરા : ગોત્રીમાં આવેલા યેપ સ્પાના માલિક પરેશ પટેલે છ વર્ષ અગાઉ સ્પામાં મસાજની નોકરી માટે બોલાવેલી રશિયન યુવતી સાથે અનૈતિક સંબંધો રાખતા રશિયન યુવતી એક પુત્રની માતા બની હતી. પરિણીત અને એક પુત્રનો પિતા હોવા છતાં પરેશે તેની પત્નીને છુટાછેડા આપ્યા વિના જ પોતાના રશિયન યુવતીને પત્નીને દરજ્જાે આપી દઈ તેમજ પત્ની પર અસહ્ય શારીરિક માનસિક ત્રાસ ગુજારીને તે હાલમાં પત્ની અને યુવાન પુત્રને છોડીને રશિયન યુવતી અને પોતાના અનૈારસ પુત્ર સાથે રહેવા જતો રહેતા આ બનાવની પરેશની પત્નીએ જેપી રોડ પોલીસ મથકમાં પરેશ અને રશિયન યુવતી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.  

મુજમહુડા રોડ પર અશ્વમેઘ-૦૩માં રહેતા ૪૩ વર્ષીય જીજ્ઞાબેન પટેલે જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘‘ મારુ ગત એપ્રિલ-૨૦૦૦માં જ્ઞાતીના રિવાજ મુજબ પરેશ સુરેશભાઈ પટેલ સાથે લગ્ન થયુ હતું અને અમારે સંતાનમાં ૧૭ વર્ષનો પુત્ર છે. પુત્રના જન્મ બાદ પતિના સ્વભાવમાં ફરક પડ્યો હતો અને તે મને કાયમ ખોટી રીતે હેરાન કરતા હતા પરંતું પુત્રના ભવિષ્યને ધ્યાનમાં રાખી હું સહન કરતી હતી. અમે બે વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહીને ભારત પરત ફર્યા હતા અને ત્યારબાદ મારા પતિએ પોતાની માલિકીનો ‘યેપ સ્પા’ નામથી ગોત્રી તેમજ અન્ય જગ્યાએ વેપાર શરૂ કર્યો હતો. ગત ૨૦૧૪માં મારા પતિએ હન્ના ચુઈકો અને વિક્ટોરિયા નામની બે રશિયન યુવતીઓને સ્પામાં આવનારા ગ્રાહકોના મસાજ અને થેરાપી માટે નોકરીએ રાખી હતી.

મારા પતિની હન્ના ચુઈકો સાથે નિકટતા વધતા તેઓ પ્રેમસંબંધમાં લપેટાયા હોવાની મને જાણ થતાં મે તેનો વિરોધ કર્યો હતો પરંતુ પતિના વર્તનમાં ફરક પડ્યો નહોંતો. પતિએ મારી પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી હન્ના ચુઈકો સાથે અનૈતિક સંબંધો ચાલુ રાખતા હન્ના મારા પતિ સાથેના શારીરિક સંબંધથી ૨૦૧૫માં ગર્ભવતી બની હતી અને તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ હન્નાએ પણ મારી ઘરે અવરજવર શરૂ કરી હતી. મે તેના પુત્ર અંગે પુછતા મારા પતિએ જણાવ્યું હતું કે તેને ભારતમાં સ્થાઈ થવુ છે એટલે અહીંયા પુત્રને જન્મ આપ્યો છે મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. ગત ૨૦૧૭માં મે મારા પતિ અને હન્નાની સમગ્ર વિગતોની ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા એસઓજીએ તપાસ શરુ કરી હતી જેથી મારા પતિએ તેમની ભુલો કબુલી હતી અને રશિયન યુવતી પરત જતી રહેશે તેવો વિશ્વાસ આપતા મે અરજી પાછી ખેંચી હતી.

જાેકે ત્યારબાદ પણ મારા પતિના વર્તનમાં કોઈ ફરક પડ્યો નહોંતો અને હું પરેશ પટેલની કાયદેસર પત્ની હોવા છતાં મારા પતિ અને હન્નાએ મને માર મ ારી તેમજ મને ડિવોર્સ આપવા માટે વારંવાર જણાવ્યું હતું. મે મારા નામ પર વર્ના ફ્યુડીક કાર લોનથી ખરીદ કરી હતી તે કાર પણ મારો પતિ લઈ ગયો છે અને તે મને પરત આપતો નથી. મારા પતિ છેલ્લા છ માસથી હન્ના ચુઈકો સાથે ૭૦૨ ક્લાસીક કોમ્પલેક્સ, અકોટા ગાર્ડન પાસે રહે છે અને હું તેમજ મારો પુત્ર મુજમહુડામાં રહીયે છે ’’. આ ફરિયાદના પગલે પોલીસે પરેશ પટેલ અને રશિયન યુવતી હન્ના ચુઈકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિએ માર મારતા ૨૦ ટકા શરીરનો ભાગ લકવાગ્રસ્ત થયો

જીજ્ઞાબેન ગત ૧૫-૧૨-૧૪ના રોજ તેમના પતિ પરેશને રશિયન યુવતી સાથેના અનૈતિક સંબંધોની ફરિયાદ કરતા જ પરેશે ગુસ્સે થઈ તેમને ગંભીર રીતે માર માર્યો હતો. તેમણે ખાનગી ડોક્ટર પાસે સારવાર કરાવતા તેમને ગંભીર મારના કારણે શરીરમાં ૨૦ ટકા જેટલી લકવાની અસર થઈ હોવાનું સપાટી પર આવ્યું હતું. પરેશે ફરીથી માર નહી મારે તેવો વિશ્વાસ આપતા તેમણે પુત્રનું ભવિષ્ય બગડે નહી માટે ફરિયાદ કરી નહોંતી.

ભારતના વિઝા માટે મેં તારા પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે

હન્ના વારંવાર ઘરે આવતી હોઈ જીજ્ઞાબેને તેને વિનંતી કરી હતી કે તું શુ કામ મારો ઘરસંસાર બગાડે છે તે વખતે હન્નાએ નફ્ફટાઈપુર્વક જણાવ્યું હતું કે મારે ભારત દેશના વિઝા જાેઈતા હોઈ તે માટે જ હું તારા પતિ સાથે શારિરીક સંબંધ બાંધીને ગર્ભવતી બની છું અને બાળકને ભારત દેશમાં જન્મ આપ્યો છે તેમજ બાળકની જન્મની નોંધણી પણ વડોદરામાં જ કરાવી છે.

હન્નાએ પુત્રને પરેશનું નામ મળે તે માટે કોર્ટમાં દાવો કર્યો

હન્ના અને પરેશે તેઓના પુત્રને પરેશનું નામ મળે તે માટે અંદરોઅંદર કાર્યવાહી કરી બાળકના જન્મમાં પરેશનું નામ લખાવ્યું હોવાની જાણ થતાં જીજ્ઞાબેને હન્નાના પુત્રનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેના પુત્રનો પિતા પરેશ જ હોવાનું સપાટી પર આવ્યું હતું. પરેશ અને હન્નાએ તેઓના પુત્રને પરેશનું નામ મળે તે માટે કોર્ટમાં કેસ કરતા તે કેસના હુકમને ફેમિલી ડિસ્પુયટ કેસથી પડકારવામાં આવ્યો છે.

ફ્રોડ વિઝા મેળવીને આવેલી હન્નાને ભારતની નાગરિક બનવું છે

જીજ્ઞાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પરેશ પટેલની કાયદેસરની પત્ની છુ અને હું હયાત હોવાનું જાણવા છતાં રશિયન સિટીઝન હન્નાએ ભારત દેશમાં સ્થાઈ થવા માટે ફોડથી વિઝા મેળવી તેમજ તેના કાવતરાના ભાગરૂપે મારા પતિ સાથે શારીરિક સંબંધ બાંધી એક પુત્રને જન્મ આપ્યો છે અને મારા પતિએ હન્ના ભારતમાં મારી સાથે જ રહેશે, તારાથી થાય તે કરી લે તેવી ધમકી આપી છે.