વડોદરા, તા.૮ 

ઉંડેરા-કોયલી રોડ પર આવેલા સુર્યા ઈલેકટ્રોનીક્સ નામની દુકાનમાં એસઓજી પોલીસે દરોડો પાડીને જાણીતી બ્રાન્ડેડ કંપનીના લોગો અને સ્ટીકર લગાવીને એસેમ્બલ ટીવી અને એસી વેંચાણના કૈાભાંડનો પર્દાફાશ કર્યો છે. નિર્દોષ ગ્રાહકોને બ્રાન્ડેડ કંપનીના નામે હલકી કક્ષાના ઈલેકટ્રીક ઉપકરણો પધરાવી જંગી નફો રળતા ઠગ વેપારીની પોલીસે અટકાયત કરી તેની પાસેથી ૧૮.૭૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેની સાથે આ કૈાભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ઉંડેરા-કોયલીરોડ પર એમ.એલ.એ.પાર્ટી પ્લોટ નજીક શેડ નંબર-૧૯માં આવેલા સુર્યા ઈલેકટ્રોનીક્સ નામની દુકાન કમ ગોડાઉનનો સંચાલક નરેન્દ્ર ભાવન વાઘવાણી (૪૦૨, શિવવાણી હોમ્સ, વેમાલી ગ્રામ પંચાયતચોક, સમા-સમાસાવલીરોડ, મુળ રહે. ભાવનગર) જાણીતી બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી ઈલેકટ્રીક ઉપકરણોનું વેંચાણ કરે છે તેવી એસઓજી પોલીસને માહિતી હતી. . આ માહિતીના પગલે પીઆઈ એમ આર સોલંકી અને પીએસઆઈ એ બી મિશ્રા સહિતના સ્ટાફે નરેન્દ્રની દુકાન કમ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. દરોડામાં તેની દુકાનમાંથી માર્કા વગરના એલઈડી, એલસીડી ટીવી, એ.સી.નો જથ્થો તેમજ બ્રાન્ડેડ કંપનીના લોગો, સ્ટીકરો, બારકોડ તેમજ કેટલોગ બુકનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નરેન્દ્ર બનાવટી ઈલેકટ્રીક ઉપકરણોનું વેચાણ કરતો હોવાની જાણ થતાં પોલીસે તેની અટકાયતકરી પુછપરછ હાથ ધરી હતી. 

નરેન્દ્રએ પોલીસ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે તે બે વર્ષ પહેલા ગોરવા-છાણીમાં એસેમ્બલ ટીવી અને એસીનું વેચાણ કરતો હતો. જાે આ એસેમ્બલ ચીજાે પર બ્રાન્ડેડ કંપનીના માત્ર લોગો લગાવી દે તો જંગી નફો થશે તેવી જાણ હોઈ તેણે છાણીવાળી દુકાન બંધ કરી દઈ છેલ્લા છ માસથી સુર્યા ઈલેકટ્રોનીક્સ નામે દુકાન કમ ગોડાઉન શરૂ કરી ગ્રાહકો સાથે ઠગાઈ કરાવની શરૂઆત કરી હતી. તે દિલ્હીથી માર્કા વગરના એલઈડી, એલસીડી અને એસી તેમજ તેના સ્પેરપાટ્‌ર્સ લાવી અત્રે ટીવી અને એસી બનાવતો હતો અને તેની પર સોની, જીઈ, વર્લપુલ, વોલ્ટાસ જેવી બ્રાન્ડેડ કંપનીના આબેહુબ લોગો, સ્ટીકરો, બારકોડ લગાવી ગ્રાહકોને વેચાણ કરતો હતો.એટલુ જ નહી ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે તેણે બ્રાન્ડેજ કંપનીની ઉપકરણો વેંચતા દુકાનદારો દ્વારા અપાતા ગેરંટી કાર્ડ અને કેટલોગ બુક ગ્રાહકોને આપતો હતો જેથી તેણે આપેલી ચીજવસ્તુ બનાવટી નથી તેવી ગ્રાહકોને જાણ થઈ શકતી નહોંતી. આ વિગતોના પગલે પોલીસે નરેન્દ્ર પાસેથી ૧૮.૭૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તેની અટકાયત કરી હતી. તેની વિરુધ્ધ જવાહરનગર પોલીસ મથકમાં કોપીરાઈટ એક્ટ અને છેતરપિંડીનો ગુનો નોંધાતા એસઓજી પોલીસે નરેન્દ્રને કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો. તેની સાથે આ કૈાભાંડમાં અન્ય કોણ એજન્ટો સંડોવાયેલા છે અને તેણે અત્યાર સુધી કેટલા લોકો સાથે આ રીતે ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.  

એસેમ્બલ કરેલા ૭૩ ટીવી - ૮૭ એસી જપ્ત

પોલીસે નરેન્દ્રની દુકાન-ગોડાઉનમાંથી જુદી-જુદી સાઈઝના ડેમેજ તથા એસેમ્બલ ૭૩ ફ્લેટ ટી.વી. તેમજ વર્લપુલ કંપનીના માર્કાવાળા સહિત અલગ અલગ કંપનીના દોઢ ટનના ઈન્ડોર અને આઉટડોર ૮૭ એ.સી. તેમજ એ.સી. બનાવવા માટે ગેસ રિફિલીંગની ચીજાે, કોમ્પ્રેસર, ગેસ સિલિન્ડર, કોપર, વાયરો ઉપરાંત સોની એલઈડી ટીવીનુ સ્ટીકર, બારકોડ સ્ટીકર, વોલ્ટાસના માર્કાવાળા સ્ટીકર, રેપર, ઓ-જનરલના સ્ટીકર, ફાઈવસ્ટાર પાવર સેવીંગ ગાઈડના ૩૨૦ સ્ટીકરો અને બારકોટ સ્ટીકરના ૧૩ પેપર અને એક મોબાઈલ ફોન સહિત કુલ ૧૮,૭૪,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.