વડગામ,તા.૨૨ 

વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર આવેલા રજોસણા ગામ પાસે આવેલી કલરની ફેક્ટરી બીજીવાર આગમાં લપેટાતા દોડધામ મચી ગઇ હતી. પાલનપુરથી અમદાવાદ જવાના નેશનલ હાઇવે ઉપર આવેલા રજોસણા ગામ પાસે આવેલ કલરની ફેક્ટરીમાં શુક્રવારના બપોરના અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. જેને લઈને ફેકટરીના માલીક સહીત વડગામ તાલુકાના વહીવટી તંત્રમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. ફેકટરીમા કલર બનાવવા માટે કેમીકલ ભરેલા બેરલો હોવાથી જોતજોતામાં આગ બેકાબુ બની હતી. બેરલોમાં બ્લાસ્ટ થતાં ભારે ધડાકા થતાં આસપાસના લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. સિધ્ધપુર, પાલનપુરથી ફાયર ફાયટર આવીને ફાયર ફાયટરની ટીમ દ્વારા પાણીનો ભારે મારો ચલાવીને આગને કાબુમાં લેવા ભારે મથામણ કરી હતી.કલાકોની મથામણ બાદ આગ કાબૂમાં આવી હતી.વડગામ મામલતદાર આર.સી.ઠાકોર,છાપી.પી.એસ.આઇ‌.ઘટના સ્થળે દોડી આવીને આગ કેવી રીતે લાગી તે જાણવાના પ્રયાસો કર્યા હતા.આગમાં લપેટાયેલી ફેક્ટરીમાં વ્યાપક નુક્સાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારે ફરી એજ કલરની ફેક્ટરીમા રવિવારના રાત્રીના આઠ વાગ્યે અચાનક ભીષણ આગ લાગી હતી.ફેકટરીમાંથી આગના ગોટેગોટા બહાર નિકળી રહ્યા હતા. આગની જાણ ફાયર ફાયટરને કરાતાં ફાયર ફાયટરોએ આવીને રાત્રીના આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતા.ફેકટરીમાં બીજીવાર ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. ફરી કઇ રીતે આગ લાગી તે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી હતી.