વડોદરા : વૈશ્વિક કોરોનાની મહામારીના વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તા ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. પંડાલો અને સ્વાગત સવારીઓની ધામધૂમ વગર મોટા ગણેશ મંડળોએ સરકારની ગાઈડલાઈન મુજબ સાદાઈથી ગણેશોત્સવની ઉજવણીના નિર્ણય સાથે પોળો, સોસાયટીઓ, શેરીઓમાં, ઘર કે દુકાનમાં બે ફૂટ સુધી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ઉત્સવપ્રિય નગરી અને વડોદરાની ઓળખ એવા ગણેશોત્સવ અને નવરાત્રિ પવ્ર્ને આ વખતે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે શ્રીજીના આગમનને વધાવવા માટે સ્વાગત સવારીઓની ધામધૂમ અને પંડાલો વગર આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ વરસે તમામ મંડળો દ્વારા ગણેશોત્સવનો સાદગીપૂર્વક ઉજવણી કરવાનો નિર્ણય તથમામ મોટા ગણેશ મંડળો દ્વારા કરવામાં આવ્યો છે. આજે મહારાષ્ટ્રીય પરિવારો દ્વારા પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરીને શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. તો વિવિધ ગણેશ મંડળો દ્વારા દર વર્ષે લાઈટિંગની રોશનીથી આકર્ષક પંડાલો, ડેકોરેશન વગર સાદગીપૂર્વક ઘરો અને દુકાનોમાં બે ફૂટના શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મંડળો દ્વારા વરસોની પરંપરાને જાળવી રાખવા માટે નાના મંડપ કે ઘરમાં જ શ્રીજીની નાની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ફક્ત મંડળના સભ્યો દ્વારા પૂજા-આરતી અને પ્રસાદ ધરાવવામાં આવશે.