વડોદરા, તા.૫

શહેરના સમા-સાવલી રોડ પર આવેલ વિશ્વામિત્રી બ્રિજ નીચે નદીકિનારે ફરી રહેલા અજાણ્યા શખ્સ ઉપર કિનારે બેઠેલા મગરે તરાપ મારી શખ્સને પાણીમાં ખેંચી ગયો હતો. ત્યાર બાદ તેનો મૃતદેહ સમા પોલીસને મળી આવ્યો હતો. 

આ અંગે સમા પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર સમા-સાવલી રોડ પર આવેલ વિશ્વામિત્રી બ્રિજની નીચે એક અજાણ્યો શખ્સ અંદાજે (ઉં.વ.૪૦) નદીકિનારે નદીમાંથી માછલીઓ પકડવા માટે આંટાફેરા મારતો હતો. આજે સવારે તે નદીકિનારે આવ્યો હતો. નદીમાં વસવાટ કરતા મગરો પૈકી એક મગર નદીના કિનારે આવી બેઠો હતો. અજાણ્યો શખ્સ અજાણતાં તે મગર પાસે જઈ પહોંચ્યો હતો. છંછેડાયેલા મગરે અજાણ્યા શખ્સ ઉપર તરાપ મારીને તેને જકડી નદીના પાણીમાં ખેંચી ગયો હતો, જેમાં તેનું પાણીમાં ડૂબીને મોત નીપજ્યું હતું. 

અજાણ્યો શખ્સ મગરના મોઢામાંથી છૂટી જતાં મૃતદેહ નદીકિનારે તરી રહ્યો હતો. અજાણ્યા શખ્સનો મૃતદેહ લોકનજરે પડતાં આ બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવી હતી. પોલીસ બનાવના સ્થળે આવ્યા બાદ મૃતદેહને બહાર કાઢી તેને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.