રાજકોટ, રાજકોટના ઉત્તમ મારુ નામના દિવ્યાંગ યુવાનને જન્મથી જ દૃષ્ટિ, નાક, તાળવું અને હોઠ નથી. તાજેતરમાં જ તેણે સર્જરી કરાવી હતી. તેમ છતાં યુરિનની કોથળી સાથે ઉત્તમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા આવે છે. યુનિવર્સિટીની ટી.વાય.બી.એ. સેમેસ્ટર ૫માં સંસ્કૃત વિષય સાથે પરીક્ષા આપતાં આ ‘ઉત્તમ વિદ્યાર્થી- ઉત્તમ મારુ અનેક વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા પૂરી પાડી રહ્યો છે. ઉત્તમના ચહેરા પર અનેક પ્રકારની સર્જરી અને એક જ કાનથી સંભળાય છે તેમજ રોગપ્રતિકારક શક્તિ પણ નબળી છે. ઉત્તમ ભગવદ ગીતાના ૧૮ અધ્યાય કડકડાટ બોલે છે અને ઉપનિષદો પણ કંઠસ્થ છે. ગાયન-વાદનમાં પારંગત અને તમામ વાદ્યો વગાડી શકે છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ઉત્તમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ.માં અભ્યાસ કરી રહ્યો છે.

હાલ તેની પરીક્ષા ચાલી રહી છે. ઉત્તમની છાતીમાં શરદી-ઉધરસને લીધે કફ જામ થઇ જતાં સર્જરી કરાવવી પડી અને યુરિનની કોથળી પણ સાથે રાખવી પડે છે. તેમ છતાં ઉત્તમ જસાણી કોલેજમાં પરીક્ષા આપી રહ્યો છે. ઉત્તમ મારુએ જણાવ્યું હતું કે મારો જન્મ થયો ત્યારથી મને સંસ્કૃત સંભળાવવામાં આવ્યું હતું. બાદમાં સાંભળી સાંભળીને શ્લોકો પાકા કર્યા હતા. ઉત્તમના દાદાએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં ૧૦ ઓપરેશન કર્યાં છે. અસંખ્ય ડોક્ટરોએ કહી દીધું હતું કે આને ઇન્જેક્શન મારી શાંત કરી દ્યો. બાદમાં અમારા ઘરે બધાએ નક્કી કર્યું કે ઉત્તમ જે સ્થિતિમાં છે એમાં આપણે તેનો ઉછેર કરવાનું શરૂ કરવો છે. કોઇપણ બાળક હોય, તેને પહેલા સ્વીકારવું જાેઇએ. તેને સ્વીકારો તો તેની ઊણપ દેખાય નહીં. તે ઘોડિયામાં સૂતો ત્યારથી હું ગીતાજી અને ઉપનિષદો ઘોડિયામાં મૂકતો તથા સંભળાવતો. જેની પર પ્રેમ હોય તેમાં તમને ખામી ન દેખાય. અમિતાભ બચ્ચનની બ્લેક ફિલ્મ જાેયા પછી મને તેનામાં ખામી નહીં, ખૂબી જ નજરે આવી છે. આજે ઉત્તમ મારુને બિરદાવવા માટે સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી જસાણી કોલેજ ખાતે આવ્યા હતા. ડો.વિજય દેસાણીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી છાત ગજગજ ફૂલે અને આપણા સૌનું ગૌરવ ઉત્તમ મારુ બી.એ. સેમેસ્ટર પાંચની પરીક્ષા આપી રહ્યો છે. તેની તબિયત ખરાબ હતી. પોતાની તકલીફો વચ્ચે પણ પરીક્ષા આપી રહ્યો છે.