અમદાવાદ-

દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી જેની કૈંક અસર રાજ્યમાં પણ જોવા મળી હતી. મંગળવારે બપોરથી નીકળેલા પવન બાદ રાત્રીના સમયે અનેક વિસ્તારમાં વાદળ છવાઈ ગયા હતા અને અનેક વિસ્તારોમાં વરસાદ પણ તૂટી પડ્યો હતો. ભર ઉનાળે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગઈ રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળો છવાયા છે. જોકે, આ વાતાવરણ ખેતી માટે અનુકૂળ ન હોવાથી ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે.

અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્યવિસ્તારમાં વાતાવરણમા પલટો આવ્યો છે. હિંડોરણા, છતડીયા સહિતના આસપાસના ગામોમા વરસાદી છાંટા પડ્યા હતા. પાટણ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. કાલોલ પંથકમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના બોલુન્દ્રામાં પણ ભારે પવન છૂટ્યો હતો. તો આ સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ મધરાત બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત અરવલ્લીમાં મોડી રાત્રે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદી છાંટા આવ્યા હતા. મોડાસા, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા હતા.

આજે ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં કમોસમી માવઠું જોવા મળ્યું છે. વહેલી સવારે જેસર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

અચાનક આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળોએ લોકોની સાથે ખેડૂતોનો જીવ અદ્ધર કરી દીધો છે. આજે ગુજરાતના અનેક વિસ્તારમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આકાશમાં છુટા છવાયા વાદળો ઘેરાયેલા છે. સવારથી ધીમે ધીમે ઠંડા પવન ફૂંકાઈ રહ્યાં છે. જોકે, ભર ઉનાળે આવેલા વાતાવરણમાં પલટાને લઇ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.ગુજરાતના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે સૂસવાટાભર્યા પવને દસ્તક આપી હતી. તો ધૂળની વંટોળ ઉઠી હતી. કમોસમી માવઠાના આગમન સમુ વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ ખેતરમાં ઉભા પાકને આ કમોસમી વરસાદથી નુકસાનની ભીતી છે. મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉઠતા વાતાવરણ ધૂળીયુ બની ગયું હતું.