વડોદરા -

હાલોલના લકી સ્ટુડિયો રોડ પર ખાબોચિયા પાસેના કૂવામાં આવી ગયેલા મગરને ફાયર બ્રિગેડની મદદથી ૧૦ કલાકની જહેમત બાદ રેસ્કયૂ કરાયો હતો. જ્યારે કારેલીબાગ જલારામનગરમાં રાત્રિના સમયે ફરી રહેલા મગરના બચ્ચાને ગુજરાત એસપીસીએ સંસ્થાના કાર્યકરોએ રેસ્કયૂ કરી વન વિભાગના હવાલે કર્યુ હતું. જ્યારે પોર ગામે કપાસના ખેતરમાંથી ૭.૫ ફૂટના અજગરને રેસ્કયૂ કરાયો હતો.

ગુજરાત એસપીસીએ સંસ્થાના રાજ ભાવસારને ગતરોજ હાલોલ વન વિભાગના અધિકારીનો ફોન આવ્યો હતો કે લકી સ્ટુડિયો રોડ પર એક ખાબોચિયામાં મગર આવી ગયો છે. જેથી સંસ્થાના કાર્યકરો તુરંત દોડી ગયા હતા. રોડની સાઈડના ખાબોચિયામાં પાણીમાં મગર હતો પરંતુ પાસે જ એક કૂવો પણ હતો. જેથી હાલોલ નગરપાલિકાને આ અંગેની જાણ કરીને મોટરો લગાડી ખાબોચિયામાંથી પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. પાણી ઓછું થતાં જ મગર કૂવાની બાજુ પસાર થયો હતો. જેથી ફાયર બ્રિગેડની મદદથી સીડી કૂવામાં ઉતારીને ઝાડીઝાંખરા દૂર કરીને ૧૦ કલાકની જહેમત બાદ મગરને રેસ્કયૂ કરી વન વિભાગના હવાલે કરાયો હતો.

જ્યારે મધરાત્રે કારેલીબાગ જલારામનગરમાં રહેણાંક વિસ્તારમાં મગરનું બચ્ચું આવી જતાં વન વિભાગના નીતિન પટેલ સાથે સંસ્થાના કાર્યકરો તુરંત પહોંચી ગયા હતા અને બે ફૂટના મગરના બચ્ચાંને રેસ્કયૂ કરી વન વિભાગને સુ૫રત કરાયંુ હતું. જ્યારે પોર ગામે કપાસના ખેતરમાં મોટો અજગર આવી ગયો હોવાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્કયૂ ટ્રસ્ટને કરાતાં સંસ્થાના કાર્યકર અને વન વિભાગના જિજ્ઞેશ પરમાર તુરંત દોડી ગયા હતા અને ૭.૫ ફૂટના અજગરને પકડી પાડી રેસ્કયૂ કર્યો હતો.