વડોદરા, તા.૫ 

સયાજી હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટરના આઇશોલેશન વોર્ડના સ્ટાફ રૂમમાંથી પાણીના નળની ચોરી કરતાં સમગ્ર આઇસોલેશન વોર્ડ સહિત નીચે આવેલ એન.સી.ઓટી તેમજ એમ.એલ.ઓ ઓફિસ બહારની પરિસરમાં પાણી ફેલાયા હતાં અને જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. એટલું જ નહીં વોર્ડમાં અવર જવર કરનાર વ્યક્તિઓને પાણીમાં છબ છબિયા કરીને ચાલવાનો વારો આવ્યો હતો. જાેકે સવારે ડ્યુટી પર આવેલ એન.સી.ઓ.ટી.ના હેડ નર્સ દ્વારા ભરાયેલા પાણીનો નિકાલ કર્યો હતો.

હોસ્પિટલમાં આ તાત્કાલિક વોર્ડમાં નાની-મોટી અસંખ્ય ચોરીઓ થતી હોય આજે વધુ એક નળ ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ચોરીઓ જાણભેદુ શખસો દ્વારા જ કરવામાં આવતી હોવાથી સી.સી.ટી.વી કેમેરા ગોઠવવામાં આવે અથવા તો ગોઠવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરા કાર્યરત કરવામાં આવે નાની-મોટી ચોરીના બનાવો અટકાવી શકાય તેમ ચર્ચાય રહ્યું છે.

સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગની બિલ્ડીંગમાં કોવિડની સારવારનું મુખ્ય સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેમાં આઇસોલેશન વોર્ડમાં ગઇ કાલે રાત્રીના નર્સ્િંાગ સ્ટાફ રૂમાંથી કોઇ જાણભેદુ શખ્સ પાણીના નળની ચોરી કરીને જતો રહ્યો હતો. જેના કારણે હજારો લીટર પાણીની રેલમ છેલ સમગ્ર આઇસોલેશન વોર્ડમાં થઇ ગઇ હતી. અને દર્દીઓના પલંગો નીચે પણ પાણી ફરી વળ્યા હતાં. તદ ઉપરાંત આ પાણી નીચે એન.સી.ઓ.ટી.ના પરિસરમાં પણ આવી પહોંચ્યું હતું. જેથી નીચે જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી છતાં પણ નાઇટ ડ્યુટીમા ફરજના જવાબદાર વ્યક્તિઓએ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કે વહેતા પાણીને અટકાવવાના પ્રયાસો કર્યા વગર જ કર્મચારીઓ જતા રહ્યા હતાં. જેથી એન.સી.ઓ.ટી.માં પાણી ભરાય જતા જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.