ઝાલોદ, દાહોદ જિલ્લામાં દેવગઢબારિયા એસ.આર હાઈસ્કૂલમાં ગોધરાથી અપડાઉન કરતા બે શિક્ષકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યાની ઘટનાની શાહી પણ સુકાઈ નથી. ત્યાં તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરની બી.પી અગ્રવાલ હાઇસ્કુલના માધ્યમિક વિભાગના એક મદદનીશ શિક્ષકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા શાળાના બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને શાળાના સ્ટાફના તમામ કર્મચારીઓનો રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના લીમડી નગરની બી.પી અગ્રવાલ હાઇસ્કુલ ના માધ્યમિક વિભાગના સામાજિક વિજ્ઞાન અને હિન્દી વિષય ભણાવતા મદદનીશ શિક્ષક સજ્જનસિંહ કે ઝાડ છેલ્લા બે-ત્રણ દિવસથી સખત શરદી અને તાવ ના લક્ષણો જણાયા હતા તેમ છતાં તેઓ શાળામાં ફરજ પર આવતા હતા તેઓનો દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં કોરોના નો આરટીપી સીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા પરિવાર તેમજ બાળકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો આ કોરોનાગ્રસ્ત શિક્ષક ૨૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા હોવાથી શાળાના જવાબદારોએ શાળામાં હાજર તમામ વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા હતા તથા શાળાના શિક્ષકો તેમજ વર્ગ-૪ના કર્મચારીઓ સહિત ૨૫ જેટલા કર્મચારીઓનો આજે રેપિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો તેમા તમામ નો રિપોર્ટ નેગેટિવ આવતા શાળા પરિવાર સહિત નગરજનોએ હાશકારો અનુભવ્યો છે.